ભારત-ઇઝરાયેલ મૈત્રીનો નવો અધ્યાય: શું ઇઝરાયેલ બનશે ભારતનો બીજો ‘રશિયા’?
વર્તમાન વૈશ્વિક રાજકારણમાં સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો જે ગતિએ આગળ વધી રહ્યા છે, તે જોતા હવે રશિયા પછી ઇઝરાયેલ ભારતનો સૌથી ભરોસાપાત્ર અને વ્યૂહાત્મક ભાગીદાર બનીને ઉભરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ૨૫-૨૬ ફેબ્રુઆરીની ઇઝરાયેલ મુલાકાત આ સંબંધોને એક નવી ઊંચાઈએ લઈ જશે તેવી પૂરેપૂરી શક્યતા છે.
મોદી અને નેતન્યાહુ: અતૂટ મિત્રતા અને સમાન વિચારધારા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ વચ્ચેની મિત્રતા માત્ર રાજદ્વારી નથી, પરંતુ વ્યક્તિગત પણ છે. બંને નેતાઓ કટ્ટર રાષ્ટ્રવાદી છે અને આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ ધરાવે છે. આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને મારવાની છબી ધરાવતા આ બંને નેતાઓ પોતાની સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીના સંગમમાં માને છે. નેતન્યાહુએ પોતે પીએમ મોદીને તેમના ‘અંગત મિત્ર’ ગણાવ્યા છે, જે દર્શાવે છે કે આગામી સમયમાં બંને દેશો વચ્ચે ‘સ્ટ્રેટેજિક ઈન્ટીમસી’ એટલે કે વ્યૂહાત્મક નિકટતા વધવાની છે.
રશિયા જેવો ભરોસો: સંરક્ષણ ક્ષેત્રે ઇઝરાયેલની છલાંગ
ઐતિહાસિક રીતે રશિયા ભારતનો સૌથી મોટો હથિયાર સપ્લાયર રહ્યો છે, પરંતુ તાજેતરના વર્ષોમાં ઇઝરાયેલ આ યાદીમાં બીજા ક્રમે આવી ગયું છે. SIPRI ના અહેવાલ મુજબ, ઇઝરાયેલના કુલ હથિયાર નિકાસનો ૩૪% હિસ્સો માત્ર ભારત ખરીદે છે. ઇઝરાયેલની ખાસિયત તેની ગુણવત્તા અને આધુનિક ટેકનોલોજી છે. સ્પાઈક મિસાઈલ, હેરોન ડ્રોન અને આયર્ન ડોમ જેવી ટેકનોલોજી ઇઝરાયેલને રશિયા કરતા પણ વિશેષ બનાવે છે. પાકિસ્તાન સામેના ‘ઓપરેશન સિંદૂર’માં ઇઝરાયેલી હથિયારોની ચોકસાઈએ સાબિત કરી દીધું છે કે સંકટના સમયે ઇઝરાયેલ ભારતની પડખે અડીખમ ઊભું છે.
8.6 અબજ ડોલરની મેગા ડીલ અને હેક્સાગન એલાયન્સ
૨૦૨૬માં થનારી આ મુલાકાત દરમિયાન ૮.૬ અબજ ડોલરના સંરક્ષણ સોદા થવાની અપેક્ષા છે. જેમાં એર ડિફેન્સ સિસ્ટમ અને લેસર આધારિત ‘આયર્ન બીમ’ જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો સમાવેશ થાય છે. સૌથી મહત્વની વાત ‘હેક્સાગન એલાયન્સ’ (Hexagon Alliance) ની છે. નેતન્યાહુ ભારતને આ જોડાણમાં સામેલ કરવા માંગે છે, જેથી કટ્ટરપંથી ધરીનો સામનો કરી શકાય. આ એલાયન્સથી પાકિસ્તાન અને ચીન જેવા દેશોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે સાયબર સુરક્ષા અને એઆઈ (AI) ક્ષેત્રે ઇઝરાયેલ વિશ્વનું નેતા છે.
‘આત્મનિર્ભર ભારત’ અને ઇઝરાયેલી ટેકનોલોજી
ભારત અત્યારે પોતાનું સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ ‘સુદર્શન ચક્ર’ વિકસાવી રહ્યું છે, જેમાં ઇઝરાયેલની ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવશે. ઇઝરાયેલની એક ખાસિયત એ છે કે તે ‘નો સ્ટ્રીંગ્સ એટેચ્ડ’ એટલે કે કોઈ શરતો વગર ટેકનોલોજી ટ્રાન્સફર કરવા તૈયાર રહે છે. સંરક્ષણ ઉપરાંત કૃષિ, જળ વ્યવસ્થાપન અને ક્લીન એનર્જી ક્ષેત્રે પણ ભારત ઇઝરાયેલ પાસેથી ઘણું શીખી રહ્યું છે.

