સુરતમાં વસતા મધ્ય ગુજરાતના શ્રમિકો માટે હોળી પર વતન જવા એસ.ટી.ની વિશેષ બસ સેવા
આગામી હોળી અને ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને સુરત એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે. વિભાગીય નિયામક પી.વી. ગુર્જરના જણાવ્યા અનુસાર, સુરતમાં રોજગારી માટે વસતા મધ્ય ગુજરાતના શ્રમિકો અને નાગરિકો પોતાના વતનમાં તહેવાર ઉજવી શકે તે માટે ૨૭ ફેબ્રુઆરીથી ૨ માર્ચ દરમિયાન વિશેષ બસો દોડાવવામાં આવશે. આ વર્ષે કુલ ૫૭૦ જેટલી વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે, જેથી લોકોને ખાનગી ટ્રાવેલ્સના મોંઘા ભાડા અને ભીડભાડથી છુટકારો મળી શકે.
વધારાના ભાડા વગર સુરક્ષિત મુસાફરીની ખાતરી
એસ.ટી. નિગમની સૌથી મોટી ખાસિયત એ છે કે તહેવારના સમયે પણ મુસાફરો પાસેથી કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. સરકારી નિયમ મુજબના સામાન્ય ભાડામાં જ લોકો મુસાફરી કરી શકશે, જે અંતર મુજબ અંદાજે રૂ. ૩૨૫ થી રૂ. ૩૫૫ ની વચ્ચે રહેશે. મુસાફરોની સરળતા માટે સુરતના રામનગર (રાંદેર રોડ), સેન્ટ્રલ બસ સ્ટેશન પાસેનું સીટી બસ સ્ટેન્ડ અને ઓલપાડ જેવા વિસ્તારોમાંથી સાંજે ૪ વાગ્યાથી રાત સુધી બસો ઉપડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગ્રુપ બુકિંગ પર બસ આવશે તમારા ઘર આંગણે
મુસાફરો માટે ઓનલાઈન બુકિંગની સુવિધા તો છે જ, પણ એક વિશેષ ઓફર પણ આપવામાં આવી છે. જો કોઈ સોસાયટી કે વિસ્તારના ૫૨ મુસાફરો એકસાથે ગ્રુપ બુકિંગ કરાવશે, તો એસ.ટી. નિગમ તે બસને સીધી મુસાફરોના ઘર આંગણે મોકલશે. આ સુવિધાનો મુખ્ય હેતુ શ્રમિકો અને અન્ય નાગરિકોને બસ સ્ટેશન સુધી ધક્કા ખાવા ન પડે અને તેઓ સુરક્ષિત રીતે પોતાના માદરે વતન પહોંચી શકે તેવો છે.
વિવિધ રૂટના નક્કી કરેલા ભાડાના દરો
સુરતથી વિવિધ શહેરોમાં જવા માટે એસ.ટી. દ્વારા વાજબી ભાડા નક્કી કરાયા છે. જેમ કે, સુરતથી અમદાવાદ માટે રૂ. ૩૨૫, દાહોદ માટે રૂ. ૩૫૦, ઝાલોદ માટે રૂ. ૩૫૫ અને ગોધરા માટે રૂ. ૩૦૫ ભાડું રહેશે. તેવી જ રીતે લુણવાડા માટે રૂ. ૩૩૦ અને છોટાઉદેપુર માટે રૂ. ૩૧૫ નક્કી કરવામાં આવ્યા છે. નિગમના આ આયોજનથી હજારો શ્રમિકો પોતાના પરિવાર સાથે ખુશીથી હોળી મનાવી શકશે.

