સુરત: ગેરકાયદે હોર્ડિંગ્સ સામે પાલિકાની લાલ આંખ, ૨૪ સામે પોલીસ ફરિયાદ અને ૬ હજારથી વધુ હોર્ડિંગ્સનો સફાયો
સુરત શહેરમાં સરકારી મિલકતો અને જાહેર સ્થળો પર લગાવવામાં આવેલા ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનરો સામે સુરત મહાનગરપાલિકાએ આક્રમક અભિયાન છેડ્યું છે. પાલિકા કમિશનરની કડક સૂચનાના પગલે પાલિકાના દબાણ વિભાગ દ્વારા શહેરભરમાં ખાસ ઝુંબેશ હાથ ધરીને ગેરકાયદે જાહેરાતોનો ખડકલો હટાવી દેવામાં આવ્યો છે.
૬ હજારથી વધુ હોર્ડિંગ્સ હટાવ્યા, ૨૪ લોકો સામે FIR
પાલિકાના આ સઘન ઓપરેશન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૬,૦૦૦ થી વધુ ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનરોને તાત્કાલિક અસરથી હટાવીને જપ્ત કરવામાં આવ્યા છે. ગેરકાયદે રીતે જાહેરાતો કરનાર ૨૪ જવાબદાર વ્યક્તિઓ સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ ઉપરાંત, નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી ૫૧ હજાર રૂપિયાથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
જાહેર સ્થળોને ગેરકાયદે જાહેરાત મુક્ત કર્યા
શહેરની સુંદરતાને ખરડતા અને ટ્રાફિક માટે અવરોધરૂપ બનતા આ હોર્ડિંગ્સને બ્રિજ, જાહેર રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટના પોલ અને ખુલ્લા પ્લોટમાંથી દૂર કરવામાં આવ્યા છે. પાલિકાના આ અભિયાનને પરિણામે ૨૧,૭૧૭ ચોરસ મીટર જેટલો વિસ્તાર ગેરકાયદે જાહેરાતોથી મુક્ત થયો છે.
પાલિકાની કડક કાર્યવાહીનો સંકેત
પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે હવે કોઈપણ પ્રકારની અનધિકૃત જાહેરાતો કે બેનરો લગાવવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરની સુવિધાઓ પર દબાણ કરીને ગેરકાયદે જાહેરાત કરનારા તત્વો સામે હવે પાલિકા કોઈ પણ બાંધછોડ કરશે નહીં. પાલિકા કમિશનરની આ સૂચના બાદ સમગ્ર શહેરમાં ગેરકાયદે જાહેરાત લગાવનારાઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જે આગામી સમયમાં પણ યથાવત રહેશે.

