સુરત સ્ટેશન વિસ્તારની હોટલમાંથી દીપડાની ખાલ સાથે બે ઝડપાયા: DRI અને વન વિભાગનું સંયુક્ત ઓપરેશન
સુરત શહેરમાં વન્યજીવોના અંગોની તસ્કરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાંથી DRI (ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) અને વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દીપડાની એક ખાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. આ કાર્યવાહી બાદ વન્યજીવ પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
હોટલમાંથી બે આરોપીઓની ધરપકડ
બાતમીના આધારે કરવામાં આવેલી આ દરોડાની કાર્યવાહીમાં બે આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં બદ્રી અબ્બાસ શબ્બીરભાઈ અને મોઈની હુસેન હુનેદ નામના શખ્સોનો સમાવેશ થાય છે. ધરપકડ બાદ બંનેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, મોઈની હુસેને આ ખાલ બદ્રી અબ્બાસ શબ્બીર પાસેથી મેળવી હતી.
વૈજ્ઞાનિક તપાસ માટે દહેરાદૂન મોકલાશે ખાલ
ઝડપાયેલી દીપડાની ખાલની સત્યતા તપાસવા અને વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા માટે વન વિભાગે કવાયત તેજ કરી છે. આ ખાલને વધુ તપાસ અને ફોરેન્સિક રિપોર્ટ માટે ઉત્તરાખંડના દહેરાદૂન સ્થિત વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII) ની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે. DNA ટેસ્ટ દ્વારા ખાલ કયા વિસ્તારના દીપડાની છે, તેનો શિકાર ક્યારે કરવામાં આવ્યો હતો અને દીપડાની ઉંમર કેટલી હતી, તે સહિતની મહત્વની વિગતો સ્પષ્ટ થશે.
મોટા માથાઓ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન
આ ઘટનામાં માત્ર આ બે જ આરોપીઓ સંડોવાયેલા છે કે પછી આ એક આંતરરાજ્ય ગેંગનું કામ છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે. વન વિભાગ હવે આ કેસના મૂળ સુધી પહોંચવા અને આ ગેરકાયદેસર વેપારમાં કયા મોટા માથાઓ સંડોવાયેલા છે, તે શોધવા પ્રયાસો કરી રહ્યું છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે, જેથી આખી ચેઈનનો પર્દાફાશ થઈ શકે.
કાયદાકીય ગંભીરતા અને સજાનું પ્રાવધાન
ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કડક કાયદાઓ છે. દીપડા જેવા શેડ્યુલ-1 માં આવતા વન્યજીવોના અંગોની હેરફેર કે વેપાર કરવો એ ગંભીર ગુનો છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ મુજબ, આ ગુનામાં દોષિત સાબિત થનારને 3 વર્ષથી લઈને 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ મામલે કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહીં અને કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
View this post on Instagram

