હાઈકોર્ટનો મોટો નિર્ણય: પત્નીના આડાસંબંધો સાબિત કરવા પતિ પુરાવા તરીકે WhasApp ચેટ રજૂ કરી શકશે
અલ્હાબાદ હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા જણાવ્યું છે કે, ભરણપોષણના કેસમાં પત્નીના કથિત આડાસંબંધો (વ્યભિચાર) સાબિત કરવા માટે પતિ WhatsApp ચેટને પુરાવા તરીકે રજૂ કરી શકે છે. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના એ આદેશને રદ કર્યો છે જેમાં આ ચેટ્સને પુરાવા તરીકે સ્વીકારવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. અદાલતે સ્પષ્ટ કર્યું કે પારિવારિક વિવાદોમાં સત્ય સુધી પહોંચવા માટે ટેકનિકલ અવરોધો આડે ન આવવા જોઈએ.
શું હતો સમગ્ર મામલો?
આ કેસમાં ટ્રાયલ કોર્ટે પતિને તેની પત્નીને દર મહિને 10,000 રૂપિયા ભરણપોષણ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પતિએ આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો અને દલીલ કરી કે તેની પત્ની અન્ય પુરુષ સાથે ‘વ્યભિચાર’માં રહી રહી છે. ફોજદારી કાર્યરીતિ સંહિતા (CrPC) ની કલમ 125 મુજબ, જો પત્ની વ્યભિચારમાં રહેતી હોય, તો તે ભરણપોષણ મેળવવા માટે હકદાર નથી. આ દાવો સાબિત કરવા માટે પતિએ પત્ની અને અન્ય પુરુષ વચ્ચેની કેટલીક ‘અશ્લીલ’ WhatsApp ચેટ્સ રજૂ કરવાની પરવાનગી માંગી હતી.
ટ્રાયલ કોર્ટે કેમ ઇનકાર કર્યો હતો?
અગાઉની સુનાવણીમાં ટ્રાયલ કોર્ટે આ ચેટ્સ સ્વીકારવાની ના પાડી દીધી હતી. કોર્ટનું કહેવું હતું કે પતિએ ઇન્ડિયન એવિડન્સ એક્ટની કલમ 65-B મુજબનું સર્ટિફિકેટ રજૂ કર્યું નથી, જે ઇલેક્ટ્રોનિક પુરાવા (જેમ કે મોબાઈલ સ્ક્રીનશોટ કે ચેટ) રજૂ કરવા માટે સામાન્ય રીતે ફરજિયાત હોય છે. આ ટેકનિકલ કારણસર પતિના પુરાવા નકારી કાઢવામાં આવ્યા હતા.
હાઈકોર્ટે કાયદાની સમજૂતી આપી
જસ્ટિસ મદન પાલ સિંઘે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું કે, ફેમિલી કોર્ટ એક્ટની કલમ 14 ફેમિલી કોર્ટને વિશેષ સત્તા આપે છે. આ કલમ મુજબ, જો કોઈ પુરાવો વિવાદના અસરકારક ઉકેલમાં મદદરૂપ થઈ શકે તેમ હોય, તો કોર્ટ તેને સ્વીકારી શકે છે, ભલે તે ઈન્ડિયન એવિડન્સ એક્ટ હેઠળ સખત રીતે સ્વીકાર્ય ન હોય. હાઈકોર્ટે અવલોકન કર્યું કે ટ્રાયલ કોર્ટે વ્યભિચારના ગંભીર આરોપો અને તેને લગતા મટિરિયલ પર પૂરતું ધ્યાન આપ્યું નથી.
કેસ ફરીથી ટ્રાયલ કોર્ટમાં મોકલાયો
હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના જૂના આદેશને બાજુ પર રાખીને આ મામલો ફરીથી વિચારણા માટે મોકલી આપ્યો છે. અદાલતે નિર્દેશ આપ્યો છે કે બંને પક્ષોને સાંભળવામાં આવે અને વિવાદના યોગ્ય નિકાલ માટે જે પણ પુરાવા જરૂરી જણાય તેને રેકોર્ડ પર લેવાની છૂટ આપવામાં આવે. આ ચુકાદાથી એ સ્પષ્ટ થયું છે કે ડિજિટલ પુરાવાઓ હવે કૌટુંબિક અદાલતોમાં સત્ય બહાર લાવવા માટે મહત્વનું સાધન બની શકે છે.

