સ્થાનિક આદિવાસી નૃત્યો સાથે કિંજલ દવેના ઊર્જાસભર પર્ફોર્મન્સે ઝૂમી ઉઠ્યું ડાંગ
ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી ઐતિહાસિક ‘ડાંગ દરબાર-૨૦૨૬’નો રંગેચંગે પ્રારંભ થયો છે. ૨૬ ફેબ્રુઆરીથી ૩ માર્ચ સુધી ચાલનારા આ મેળાના પ્રથમ દિવસે આહવાના રંગ ઉપવન ખાતે અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પરંપરાગત મેળામાં ડાંગી સંસ્કૃતિની ઝલક જોવા મળી રહી છે, જેમાં સ્થાનિક કલાકારોએ પોતાના મનમોહક નૃત્યોથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
કિંજલ દવેના ગીતો અને ગરબાની રમઝટ: હજારોની મેદની ઉમટી
મેળાની પ્રથમ રાત્રે લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ સ્ટેજ ગજવ્યું હતું. તેમના ઉર્જાવાન પર્ફોર્મન્સ અને લોકપ્રિય ગીતો પર હજારોની સંખ્યામાં ઉમટેલા લોકો ઝૂમી ઉઠ્યા હતા. રંગ ઉપવનમાં એટલી મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી કે પગ મૂકવાની પણ જગ્યા નહોતી. કિંજલ દવેના ગરબાની રમઝટે વાતાવરણમાં એક નવો જ ઉત્સાહ ભરી દીધો હતો, જે ડાંગ દરબારની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે.
પ્રવાસીઓ માટે વહીવટી તંત્ર દ્વારા સુદ્રઢ સુવિધાઓનું આયોજન
આહવા ખાતે યોજાયેલા આ મેળામાં આવતા લોકો માટે ડાંગ વહીવટી તંત્રએ પૂરતી વ્યવસ્થાઓ કરી છે. સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, પીવાના શુદ્ધ પાણીની સગવડ, અને ટ્રાફિક મેનેજમેન્ટ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. મેળામાં આદિવાસી હસ્તકલાના ઉત્પાદનો અને પરંપરાગત વાનગીઓના સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રવાસીઓની સુવિધા માટે આરોગ્ય શિબિરો અને સ્વચ્છતાની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે.
આગામી દિવસોમાં પણ વિવિધ આદિવાસી નૃત્યોની જામશે મહેફિલ
ડાંગ દરબારના આગામી દિવસોમાં પણ મનોરંજનનો સિલસિલો જારી રહેશે. ૨૮ ફેબ્રુઆરીની રાત્રે સિધ્ધિ ધમાલ, પાવરી, રાઠવા અને ધુમ્મર જેવા પરંપરાગત નૃત્યો રજૂ કરવામાં આવશે. દરરોજ સાંજે ગુજરાતના પ્રખ્યાત કલાકારો અને સ્થાનિક આદિવાસી મંડળીઓ રંગ ઉપવનમાં પોતાની કલા રજૂ કરશે. આ મેળો ડાંગની વિરાસતને જીવંત રાખવાનું એક સશક્ત માધ્યમ બની રહ્યો છે.

