ફ્રેક્ચર, ઈમ્યુનીટી લો અને અચાનક પેટદર્દ છતાં વિદ્યાર્થીઓનો અડગ આત્મવિશ્વાસ, શિક્ષણ વિભાગની ત્વરિત કામગીરીથી સફળ પરીક્ષા
ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા આયોજિત SSC-2026ની પરીક્ષાનો 26મી તારીખથી ઉત્સાહભેર પ્રારંભ થયો છે. બારડોલી ઝોન-77માં પ્રથમ દિવસે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષાના પેપર લેવાયા હતા. આ પરીક્ષામાં કુલ 8,959 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 8,801 હાજર રહ્યા હતા, જ્યારે 158 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સંકલનને કારણે પ્રથમ દિવસની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.
હાથમાં ફ્રેક્ચર છતાં સવાઈસિંહે રાઈટર વગર જાતે પેપર લખ્યું
પરીક્ષાના એક દિવસ પહેલા જ અકસ્માતે પડી જવાથી એમ. બી. વામદોત સ્કૂલના વિદ્યાર્થી સવાઈસિંહ પુરોહિતના જમણા હાથમાં ફ્રેક્ચર થયું હતું. શાળાના આચાર્યાએ તાત્કાલિક રાઈટર (લખનાર મદદનીશ)ની વ્યવસ્થા કરી આપી હતી, પરંતુ સવાઈસિંહે અદભૂત હિંમત બતાવી હતી. તેણે રાઈટરની મદદ લેવાને બદલે પોતે જ જાતે પેપર લખવાનું નક્કી કર્યું. તેણે જણાવ્યું કે જાતે લખવાથી તે પ્રશ્નોને વધુ સારી રીતે ન્યાય આપી શક્યો અને તેનો આત્મવિશ્વાસ હવે બાકીના પેપર માટે પણ વધી ગયો છે.
બીમારી અને ઈમરજન્સી વચ્ચે પણ વિદ્યાર્થીઓએ હિંમત ન હારી
અસ્તાન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની કવિતા રાજપુતને લો-ઈમ્યુનિટીની સમસ્યા હોવા છતાં તેણે મક્કમ મનોબળ સાથે પરીક્ષા આપી હતી. તેની સુરક્ષા માટે પરીક્ષા કેન્દ્ર પર આરોગ્યની ટીમ ખડેપગે હાજર રહી હતી. તેવી જ રીતે, કડોદરાના પરીક્ષા કેન્દ્ર પર ભાવેશ પ્રજાપતિ નામના વિદ્યાર્થીને ચાલુ પેપરે અચાનક પેટમાં સખત દુખાવો ઉપડ્યો હતો. સ્થળ સંચાલકોએ તુરંત 108 એમ્બ્યુલન્સ બોલાવી પ્રાથમિક સારવાર અપાવી હતી, જેના કારણે રાહત થતા વિદ્યાર્થીએ પોતાનું પેપર પૂર્ણ કર્યું હતું.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત ધ્રુવે વ્હીલચેર પર બેસીને આપી પરીક્ષા
બારડોલીના બાબેન વિસ્તારમાં રહેતા ધ્રુવ ગિરાસેને થોડા સમય પહેલા અકસ્માતમાં પગે ગંભીર ઈજા થઈ હતી. એક મહિનો હોસ્પિટલમાં રહ્યા બાદ પણ તે ચાલી શકે તેમ ન હોવાથી તેણે ઘરે બેસીને જ મહેનત કરી હતી. પરીક્ષાના દિવસે શિક્ષણ વિભાગે તેના માટે વિશેષ વ્યવસ્થા કરી હતી. વ્હીલચેર પર બેસીને અને પગે પ્લાસ્ટર સાથે ધ્રુવે પરીક્ષા આપી હતી. ઝોનલ અધિકારીઓએ તેના વાલીને સાંત્વના આપી પૂરતી સુવિધા પૂરી પાડી હતી, જેનાથી ઈજાગ્રસ્ત હોવા છતાં ધ્રુવ શાંતિથી પરીક્ષા આપી શક્યો હતો.

