નેતન્યાહુનું મોટું નિવેદન: ‘ઈરાન પર હુમલો અનિવાર્ય હતો, હવે ઈરાની જનતા પોતાનું ભાગ્ય નક્કી કરે’
ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન વિરુદ્ધ ‘ઓપરેશન રોરિંગ લાયન’ (Operation Roaring Lion) શરૂ કરીને મધ્ય પૂર્વના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. આ ભીષણ હુમલાઓ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ ઓપરેશનનો હેતુ ઈરાનના આતંકવાદી શાસન દ્વારા ઊભા કરાયેલા જોખમને હંમેશા માટે ખતમ કરવાનો છે.
‘ઓપરેશન રોરિંગ લાયન’ અને નેતન્યાહુનો સંદેશ
નેતન્યાહુએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “થોડા સમય પહેલા જ ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાનના જોખમી શાસન વિરુદ્ધ સંયુક્ત સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા 47 વર્ષોથી જે શાસન ‘ઈઝરાયેલનું મૃત્યુ’ અને ‘અમેરિકાનું મૃત્યુ’ ના નારા લગાવી રહ્યું છે, તેને હવે જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે આ લડાઈ ઈરાનની જનતા વિરુદ્ધ નથી, પરંતુ ત્યાંના અત્યાચારી શાસન વિરુદ્ધ છે. નેતન્યાહુએ આશા વ્યક્ત કરી કે આ કાર્યવાહી બાદ ઈરાનના બહાદુર લોકો પોતાની મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરશે અને પોતાનું ભવિષ્ય પોતે નક્કી કરશે.
🇮🇱 🤝 🇺🇸 OPERATION ROARING LION: The IDF and the U.S Armed Forces have launched a broad & joint operation to thoroughly degrade the Iranian terrorist regime and to remove existential threats to Israel over time.
The Iranian regime has not abandoned its plan to destroy Israel.…
— Israel Defense Forces (@IDF) February 28, 2026
ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકાની પ્રશંસા
નેતન્યાહુએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ટ્રમ્પનું આ ઐતિહાસિક પગલું સમગ્ર માનવતાને પરમાણુ જોખમથી બચાવવા માટે જરૂરી હતું. નેતન્યાહુએ ભારપૂર્વક જણાવ્યું કે ઈરાનના ખૂની શાસન પાસે ક્યારેય પરમાણુ હથિયાર ન હોવા જોઈએ, કારણ કે તે વિશ્વ શાંતિ માટે સૌથી મોટો ખતરો છે.
ઈરાની જનતાને બળવો કરવાની અપીલ
નેતન્યાહુએ માત્ર સૈન્ય હુમલાની વાત જ નથી કરી, પરંતુ ઈરાનમાં વસતા વિવિધ સમુદાયો જેવા કે પર્શિયન, કુર્દ, અઝરબૈજાની, બલોચ અને અહવાઝી લોકોને એક થવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ઈરાની લોકો અત્યાચારની સાંકળો તોડી નાખે અને એક સ્વતંત્ર તથા શાંતિપ્રિય ઈરાનનું નિર્માણ કરે.
🚨 Sirens sounding across Israel pic.twitter.com/qX6OBgNs2k
— Israel Defense Forces (@IDF) February 28, 2026
ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી: ‘શરણાગતિ સ્વીકારો અથવા મૃત્યુ માટે તૈયાર રહો’
આ ઓપરેશન દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાની સેના અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ને સીધી ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આપેલા સંદેશમાં ટ્રમ્પે કહ્યું:
“તમારી પાસે બે જ વિકલ્પ છે – કાં તો હથિયાર હેઠા મૂકીને શરણે આવી જાવ, જેમાં તમને સંપૂર્ણ માફી અને સુરક્ષા મળશે, અથવા તો નિશ્ચિત મૃત્યુનો સામનો કરવા તૈયાર રહો.”
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે આ ઓપરેશન માત્ર ઈરાનના સૈન્ય અને પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવવા માટે છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના મોટા હુમલાને અટકાવી શકાય.
