ઈરાનના સુપ્રીમ લીડર ખમેનીના નિધન બાદ ભારતમાં હાઈ એલર્ટ: શિયા સમુદાયના વિરોધ પ્રદર્શનોને પગલે ગૃહ મંત્રાલય સતર્ક
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખમેનીના અવસાન બાદ ભારતના અનેક ભાગોમાં તેની અસરો જોવા મળી રહી છે. દેશના વિવિધ રાજ્યોમાં શિયા સમુદાયના લોકો રસ્તા પર ઉતરીને અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પરિસ્થિતિની ગંભીરતાને જોતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને સંભવિત હિંસા અને છૂટાછવાયા પ્રદર્શનો અંગે કડક એલર્ટ જાહેર કર્યું છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે બનતી ઘટનાઓની સીધી અસર ભારતની આંતરિક સુરક્ષા પર પડી શકે છે, તેથી સુરક્ષા એજન્સીઓએ સંપૂર્ણ રીતે સજ્જ રહેવું જરૂરી છે.
સુરક્ષા એજન્સીઓને કડક સૂચના: ઈરાન સમર્થક જૂથો પર નજર
ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યોને મોકલવામાં આવેલી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે ઈરાન સમર્થક અને ઈરાન વિરોધી એમ બંને જૂથોની ગતિવિધિઓ પર તીક્ષ્ણ નજર રાખવામાં આવે. ખાસ કરીને ભારતમાં આવેલા ઈરાની, અમેરિકી અને ઈઝરાયેલના દૂતાવાસો તેમજ વાણિજ્ય દૂતાવાસોની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ્સ મુજબ, ઇસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા જેવા આતંકવાદી સંગઠનો આ તણાવપૂર્ણ માહોલનો ફાયદો ઉઠાવીને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી શકે છે.
સંવેદનશીલ સ્થળો અને પ્રવાસન ધામોની સુરક્ષામાં વધારો
ગૃહ મંત્રાલયે તેના એલર્ટમાં જણાવ્યું છે કે માત્ર દૂતાવાસો જ નહીં, પરંતુ પ્રમુખ પ્રવાસન સ્થળો, યહૂદી ધર્મની સંસ્થાઓ અને પશ્ચિમી દેશો સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત સંસ્થાનો પણ આતંકીઓના નિશાન પર હોઈ શકે છે. કેન્દ્ર સરકારે રાજ્યોને સલાહ આપી છે કે આવા તમામ સંવેદનશીલ સ્થળો પર વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવે. સ્થાનિક પોલીસને ભીડભાડવાળા વિસ્તારોમાં સઘન તપાસ કરવા અને IED જેવા વિસ્ફોટકોની ઓળખ માટે નિયમિત ચેકિંગ અભિયાન ચલાવવા સૂચના અપાઈ છે. સાથોસાથ, ભડકાઉ ભાષણ આપતા કટ્ટરપંથી ઉપદેશકોની ઓળખ કરી તેમની સામે પગલાં લેવા પણ જણાવાયું છે.
સોશિયલ મીડિયા પર બાજ નજર અને સાયબર સેલને આદેશ
સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાતી અફવાઓ અને ભડકાઉ સામગ્રીને રોકવા માટે મંત્રાલયે વિશેષ ભાર મૂક્યો છે. સાયબર સેલને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ એવા ડિજિટલ કન્ટેન્ટ પર સતત દેખરેખ રાખે જે સાંપ્રદાયિક સૌહાર્દ બગાડી શકે છે. તમામ રાજ્યોના પોલીસ મહાનિદેશકોને (DGP) સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે કે કોઈપણ અઘટિત ઘટના બને તો તેને પહોંચી વળવા માટે ‘ક્વિક રિસ્પોન્સ ટીમ’ (QRT) તૈયાર રહે. ગૃહ મંત્રાલય હાલની સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યું છે અને તમામ રાજ્યોના સંપર્કમાં છે.

