મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આગળ વધતું ગુજરાત, નવી દિલ્હીમાં GUDMને મળશે ગૌરવ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના શહેરોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે અનેક મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) દ્વારા માત્ર મોટા શહેરો જ નહીં, પરંતુ રાજ્યની તમામ નગરપાલિકાઓમાં પણ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના આ સુવ્યવસ્થિત આયોજનને કારણે નાગરિકોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો થયો છે. ખાસ કરીને ટેક્નોલોજીના ઉપયોગથી શહેરી વ્યવસ્થાપનને વધુ સરળ અને અસરકારક બનાવવામાં આવ્યું છે.
ગુજરાતના ગટર નેટવર્ક મેનેજમેન્ટને રાષ્ટ્રીય સ્તરે સન્માન
રાજ્યની 156 નગરપાલિકાઓમાં ગટર નેટવર્કની સફાઈ અને તેની દેખરેખ માટે બનાવવામાં આવેલા ‘ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર’ની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી છે. ઇન્ડિયા વોટર ફાઉન્ડેશન (IWF) દ્વારા આ પ્રોજેક્ટને ‘બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ’ આપવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરી વિકાસ મંત્રી કનુભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આ સેન્ટર દ્વારા ટેક્નોલોજીની મદદથી ગટર વ્યવસ્થાનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે, જેનાથી કામગીરી વધુ પારદર્શક અને ઝડપી બની છે.
પર્યાવરણની જાળવણી અને પાણીના પુનઃઉપયોગમાં મોટી સફળતા
આ અત્યાધુનિક સિસ્ટમના કારણે નગરપાલિકાઓમાં ગટર નેટવર્કનું મેન્ટેનન્સ તો સુધર્યું જ છે, સાથે સાથે પાણીના પુનઃઉપયોગ (Reuse of Water) પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રયાસોને કારણે લાખો લિટર પાણીનો બચાવ શક્ય બન્યો છે, જે પર્યાવરણ માટે અત્યંત લાભદાયી છે. નવી દિલ્હી ખાતે આગામી 6 અને 7 માર્ચના રોજ યોજાનારા ‘વોટર ટ્રાન્સવર્સાલિટી ગ્લોબલ એવોર્ડ્સ અને કોન્ક્લેવ 2026’ દરમિયાન ગુજરાતને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવશે, જે રાજ્યના પર્યાવરણલક્ષી શહેરી વિકાસના વિઝનને વધુ મજબૂત બનાવે છે.
