ઈરાનની બદલાયેલી રણનીતિ: આક્રમકતાથી કૂટનીતિ તરફ
28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાઈલના સંયુક્ત હુમલા બાદ ઈરાને વળતો પ્રહાર કરતા ખાડી દેશો (Gulf Countries) પર મિસાઈલોનો મારો ચલાવ્યો હતો. પરંતુ હવે ઈરાન આ દેશો સાથે સંબંધો સુધારવાની વાત કરી રહ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ પડોશી દેશો સાથે યુદ્ધ નથી ઈચ્છતા અને આ ક્ષેત્રની સુરક્ષા સામૂહિક પ્રયાસોથી જ શક્ય છે.
નિષ્ણાતો માને છે કે ઈરાન હવે મુસ્લિમ દેશોનો વિશ્વાસ જીતવા માંગે છે. તેને સમજાયું છે કે ખાડી દેશો પર હુમલો કરવાથી તે એકલું પડી જશે. આથી, હવે તે એક નવો ‘નેરેટિવ’ સેટ કરી રહ્યું છે કે લડાઈ માત્ર અમેરિકા અને ઈઝરાઈલ સામે છે, પડોશી મુસ્લિમ દેશો સામે નહીં.
મિસાઈલ પાવરમાં ઘટાડો: શું ઈરાન પસ્ત પડ્યું છે?
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના ડેટા મુજબ, છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાન દ્વારા કરવામાં આવતા મિસાઈલ લોન્ચમાં 86 ટકા અને ડ્રોન લોન્ચમાં 76 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. અમેરિકી અધિકારી બ્રેડ કૂપરના જણાવ્યા અનુસાર, સેંકડો લોન્ચર્સ અને ડ્રોન સાઇટ્સને નષ્ટ કર્યા બાદ ઈરાનની હુમલો કરવાની ક્ષમતા નબળી પડી છે.
જોકે, આ બાબતે બે અલગ-અલગ મંતવ્યો પ્રવર્તે છે:
લશ્કરી નુકસાન: અમેરિકા-ઈઝરાઈલના હુમલામાં ઈરાનના ઘણા મહત્વના મિસાઈલ ડેપો અને લોન્ચિંગ સાઇટ્સ ધ્વસ્ત થઈ ગઈ છે, જેના કારણે તે ઈચ્છવા છતાં મોટા હુમલા કરી શકતું નથી.
હથિયારોનું રિઝર્વ: બીજી તરફ, કેટલાક નિષ્ણાતો માને છે કે ઈરાન જાણીજોઈને મોટા હથિયારો બચાવી રહ્યું છે જેથી જો યુદ્ધ લાંબુ ખેંચાય તો અંતિમ સમય માટે તેની પાસે પૂરતો દારૂગોળો રહે. હાલમાં તે મોંઘી બેલેસ્ટિક મિસાઈલોને બદલે સસ્તા ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન જનતા પર નિશાન
ઈરાને માત્ર હથિયારોથી જ નહીં, પણ શબ્દોથી પણ યુદ્ધ છેડ્યું છે. ઈરાન સીધું અમેરિકાની જનતાને સંબોધી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમને બિનજરૂરી યુદ્ધમાં ધકેલી રહ્યા છે. ઈરાનનો હેતુ અમેરિકાની અંદર ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ જનમત ઊભો કરવાનો છે.
નોંધનીય છે કે ઈરાનના વિદેશ મંત્રી અરાગચીએ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માર્કો રુબિયોના નિવેદનોમાં રહેલા વિરોધાભાસને પણ નિશાન બનાવ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન હુમલો કરવાનું હતું એટલે અમે પહેલા હુમલો કર્યો, જ્યારે માર્કો રુબિયોનું નિવેદન કંઈક અલગ હતું. ઈરાન આ વિરોધાભાસનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

