નગરજનોને બાકી વેરો ભરવા સરળતા: આણંદ, કરમસદ અને વિદ્યાનગર સહિત તમામ વિસ્તારોમાં રજાના દિવસે પણ ખુલ્લી રહેશે મનપા કચેરી
આણંદ અને કરમસદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા નગરજનોની સુવિધા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ મહિનો નાણાકીય વર્ષનો અંતિમ મહિનો હોવાથી, બાકી રહેલો મિલકત વેરો ભરપાઈ કરવા માટે નગરજનોને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી તમામ કચેરીઓ માર્ચ મહિના દરમિયાન રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પણ ખુલ્લી રાખવામાં આવશે. આ નિર્ણયથી નોકરીયાત વર્ગ અને અન્ય વ્યસ્ત રહેતા નાગરિકો રજાના દિવસે પણ સરળતાથી પોતાનો ટેક્સ જમા કરાવી શકશે.
રવિવાર અને રજાના દિવસે કચેરીઓનો સમય અને વિસ્તારની વિગત
કરમસદ આણંદ મહાનગરપાલિકા હેઠળ આવતા આણંદ, કરમસદ, વિદ્યાનગર, મોગરી, ગામડી, જીટોડીયા અને લાંભવેલ વિસ્તારના તમામ મિલકતધારકો આ સુવિધાનો લાભ લઈ શકશે. તા. ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ નાણાકીય વર્ષ પૂરું થતું હોવાથી, આ મહિનાના તમામ રવિવાર અને જાહેર રજાના દિવસોમાં સવારે ૧૧:૦૦ થી બપોરે ૪:૦૦ (૧૬:૦૦ કલાક) સુધી વેરા વિભાગની તમામ શાખાઓ ચાલુ રહેશે. ખાસ કરીને આગામી ૮ માર્ચના રવિવારે પણ કચેરીઓ ખુલ્લી રહેશે, જેથી લોકોએ સમયસર વેરો ભરી દેવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
