ઇંગ્લેન્ડ સેમીફાઈનલ હાર્યું, પણ જેકબ બેથેલે અનોખી સદી ફટકારી રચ્યો ઈતિહાસ
ટી-20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમીફાઈનલમાં ભલે ઇંગ્લેન્ડની ટીમ ભારત સામે હારી ગઈ હોય, પરંતુ તેમના યુવા બેટ્સમેન જેકબ બેથેલે પોતાની બેટિંગથી ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. ભારત સામેની આ મહત્વપૂર્ણ મેચમાં બેથેલે માત્ર સદી જ નથી ફટકારી, પરંતુ એક એવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધી ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પણ ખેલાડી કરી શક્યું નથી.
વાનખેડેમાં બેથેલનું તોફાન: 48 બોલમાં 105 રન
ભારત સામેના રન ચેઝ દરમિયાન ઇંગ્લેન્ડના યુવા ખેલાડી જેકબ બેથેલે મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. તેણે માત્ર 48 બોલમાં 105 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેમાં 8 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. જોકે, કમનસીબે તે ઇનિંગની છેલ્લી ઓવરમાં રનઆઉટ થઈ ગયો હતો. બેથેલની આ લડાયક ઇનિંગ છતાં ઇંગ્લેન્ડની ટીમ જીતથી માત્ર 7 રન દૂર રહી ગઈ હતી.
ક્રિકેટ ઈતિહાસનો અનોખો રેકોર્ડ બેથેલના નામે
જેકબ બેથેલે આ સદી સાથે એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે સાંભળીને તમે પણ દંગ રહી જશો. બેથેલ વિશ્વનો પ્રથમ એવો ખેલાડી બન્યો છે જેણે ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ-એ અને ટી-20 ત્રણેય ફોર્મેટમાં પોતાની કારકિર્દીની ‘પ્રથમ સદી’ સીધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ ફટકારી છે.
ડેબ્યુ કરતા પહેલા તેની પાસે ડોમેસ્ટિક ક્રિકેટના આ ત્રણેય ફોર્મેટમાં એક પણ સદી નહોતી. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેણે ત્રણેય ફોર્મેટમાં સેન્ચુરી ફટકારીને આ અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. વાનખેડેમાં રમાયેલી આ ઇનિંગ તેના ટી-20 કરિયરની પ્રથમ સદી હતી.
ફિન્થ એલનનો રેકોર્ડ તોડ્યો
આ વર્લ્ડ કપમાં રેકોર્ડ્સનો જાણે પૂર આવ્યો છે. ન્યુઝીલેન્ડના ફિન એલને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ સેમીફાઈનલમાં અણનમ 100 રન બનાવીને ટી-20 વર્લ્ડ કપના નોકઆઉટમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. જોકે, તેનો આ રેકોર્ડ માત્ર 24 કલાક જ ટકી શક્યો. બીજા જ દિવસે જેકબ બેથેલે 105 રન બનાવીને ટી-20 વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
દિગ્ગજોની યાદીમાં સામેલ
જેકબ બેથેલ હવે ટી-20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર ચોથો ઇંગ્લિશ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા એલેક્સ હેલ્સ (2014), જોસ બટલર (2021) અને હેરી બ્રૂક (2021) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

