ઈરાની નેતાની મોત પર ભારતમાં વિરોધ પ્રદર્શન: અમેરિકન સૈનિક શિલ્પા ચૌધરીનો વીડિયો વાયરલ, કરી આ ખાસ અપીલ
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતના કેટલાક ભાગોમાં થયેલા વિરોધ પ્રદર્શનોએ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. આ મામલે યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીમાં ફરજ બજાવતા ભારતીય મૂળના સૈનિક શિલ્પા ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. શિલ્પાએ આ પ્રદર્શનો પર સવાલ ઉઠાવતા ભારતીયોને ભાવુક અપીલ કરી છે.
કોણ છે શિલ્પા ચૌધરી?
શિલ્પા ચૌધરી અમેરિકન આર્મીમાં સ્પેશિયાલિસ્ટ તરીકે કાર્યરત છે. તેઓ ત્રણ બાળકોની માતા છે અને યુએસ આર્મીમાં કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર (CBRN) નિષ્ણાત તરીકે સેવા આપે છે. મૂળ ભારતીય હોવાને કારણે તેઓ ભારતની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખે છે અને અવારનવાર પોતાના મંતવ્યો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.
ભારતના વિરોધ પ્રદર્શન પર ઉઠાવ્યા સવાલ
શિલ્પાએ પોતાના વીડિયોની શરૂઆત સૌને હોળીની શુભકામનાઓ પાઠવીને કરી હતી, પરંતુ તેમણે એમ પણ ઉમેર્યું કે વર્તમાન પરિસ્થિતિઓને જોતા તેમનું મન તહેવાર ઉજવવાનું નથી થયું. ૨૮ ફેબ્રુઆરીએ ખામેનેઈના મૃત્યુ બાદ ભારતના અલગ-અલગ શહેરોમાં જે પ્રકારે દેખાવો થયા, તેના પર શિલ્પાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
તેમણે કહ્યું, “હું મુસ્લિમ વિરોધી નથી અને હું કોઈ પણ પ્રકારની કટ્ટરતાની વિરુદ્ધ છું. ધાર્મિક રીતે ઘણા લોકોને દુઃખ થયું હશે તે હું સમજી શકું છું, પરંતુ ભારતમાં જે રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેનાથી શું ફાયદો થશે? કદાચ તમે ભારતમાં રહીને આ જોઈ શકતા નથી, પણ વિદેશમાં આ કારણોસર ભારતની મજાક ઉડાવવામાં આવી રહી છે.”
“દેશની ઈજ્જત દાવ પર ન લગાવો”
શિલ્પાએ ભારતીય નાગરિકોને એકતા જાળવી રાખવા વિનંતી કરી. તેમણે પોતાની વાત સ્પષ્ટ કરતા જણાવ્યું કે તેમનો ઉદ્દેશ્ય કોઈ ધાર્મિક ભેદભાવ ફેલાવવાનો નથી. તેમણે ઉદાહરણ આપ્યું કે તેમની શ્રેષ્ઠ મિત્ર પણ એક મુસ્લિમ છે અને તેઓ બંને એકબીજાના તહેવારોની આતુરતાથી રાહ જોતા હોય છે.
તેમણે સવાલ ઉઠાવ્યો કે, “તમે જે રાજ્યમાં રહો છો ત્યાંની સરકાર સામે માંગણીઓ કરી રહ્યા છો, પણ શું તેઓ આ ઘટનામાં સામેલ હતા? તમે જે વિસ્તારમાં રહો છો ત્યાંની શાંતિ કેમ ડહોળી રહ્યા છો?” તેમણે વધુમાં ઉમેર્યું કે જે દેશમાં (ઈરાન) સંઘર્ષ શરૂ થયો છે, ત્યાં પણ કેટલાક નાગરિકો ઉજવણી કરી રહ્યા હતા, જ્યારે ભારતમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો દુનિયાભરના જાણકારોને અયોગ્ય લાગી રહ્યા છે.
View this post on Instagram
ભારત પ્રત્યેનો પ્રેમ અને ગૌરવ
પોતાના વીડિયોના અંતમાં શિલ્પા ચૌધરીએ ખૂબ જ ગંભીર વાત કહી. તેમણે કહ્યું કે, “આજે આખી દુનિયા ભારતને ખૂબ જ સન્માનની નજરથી જુએ છે. મહેરબાની કરીને તે સન્માનને ખતમ ન થવા દો. તમે જે દેશમાં રહો છો, તેને પ્રેમ કરો અને તેની છબી ખરાબ ન થાય તેનું ધ્યાન રાખો.”
