ભારતના ડેટાનો ‘સોદાબાજી’ માટે ઉપયોગ કર્યો હોત તો ખેડૂતો અને નાના વેપારીઓ પર ટેક્સ ન હોત: રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે ભારત-અમેરિકા વચ્ચે થયેલા સોદા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે જો ભારત સરકારે ડેટાની કિંમત સમજીને યોગ્ય વાટાઘાટો કરી હોત, તો આજે દેશના કૃષિ ક્ષેત્ર અને નાના તથા મધ્યમ ઉદ્યોગો (SMBs) પર કોઈ ટેક્સ ચૂકવવો પડ્યો ન હોત.
તિરુવનંતપુરમના ટેક્નોપાર્ક ખાતે આઈટી (IT) પ્રોફેશનલ્સ સાથેની વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સોદામાં દેશે પોતાનો અમૂલ્ય ડેટા અમેરિકાને સોંપી દીધો છે અને નવાઈની વાત એ છે કે મારા સિવાય આ મુદ્દે કોઈએ અવાજ પણ ઉઠાવ્યો નથી.
ડેટા એ ભારતનું સૌથી મોટું સંસાધન
રાહુલ ગાંધીએ ડેટા સુરક્ષા અને તેના આર્થિક મૂલ્ય પર ભાર મૂકતા કહ્યું કે, “ભારત પાસે આ પૃથ્વી પરનો સૌથી મોટો ડેટા ભંડાર છે. જો આ સોદા દરમિયાન ભારતે સ્પષ્ટ કર્યું હોત કે અમારો ડેટા વિશ્વનો સૌથી કિંમતી ડેટા છે, તો હું ગેરંટી સાથે કહી શકું છું કે ભારતના ખેતી ક્ષેત્ર પર કોઈ ટેક્સ ન હોત. નાના અને મધ્યમ ઉદ્યોગોએ પણ કોઈ ટેક્સ ભરવો પડ્યો ન હોત.”
તેમણે ઉમેર્યું કે કોઈ પણ વાટાઘાટો (Negotiation) માં ઉતરતી વખતે તમારી પાસે શું તાકાત છે તેની જાણકારી હોવી જરૂરી છે. ભારત પાસે વિશાળ વિવિધતા, શ્રેષ્ઠ એન્જિનિયરિંગ અને મેડિકલ ટેલેન્ટ છે. કેરળ શ્રેષ્ઠ નર્સો પૂરી પાડે છે. આ બધી શક્તિઓ સાથે રાખીને વાટાઘાટો કરવી જોઈએ.
રશિયાના તેલ અને ભારતના ડેટાની સરખામણી
પોતાની વાતને વધુ સ્પષ્ટ કરવા રાહુલ ગાંધીએ ઉદાહરણ આપતા કહ્યું કે, જો રશિયા તેના તમામ તેલના ભંડારો અમેરિકાને સોંપી દે, તો આખા રશિયામાં ભારે હોબાળો મચી જશે. પરંતુ ભારતમાં જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ડેટા અમેરિકાને સોંપવામાં આવ્યો, ત્યારે ક્યાંય કોઈ અવાજ પણ સંભળાયો નથી.
રાજકારણમાં ડેટાના મુદ્દે ચર્ચાની જરૂર
રાહુલ ગાંધીએ ભારતીય રાજકારણની ટીકા કરતા કહ્યું કે, અત્યારે દેશમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ તે નક્કી કરવાની જરૂર છે. “આપણા દેશના રાજકારણમાં એ ચર્ચા થવી જોઈએ કે ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવો, તેની પ્રકૃતિ શું છે, કોની પાસે તેની એક્સેસ છે અને કયા ભાવે? આ લોકશાહીની કવાયત હોવી જોઈએ.”
તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, રાજકીય તંત્રએ એ ચર્ચા ન કરવી જોઈએ કે આપણે શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ કે ગૌમૂત્ર તમારા માટે સારું છે કે નહીં. તેના બદલે ભારતીય વ્યવસાયો, સામાન્ય લોકો અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે ડેટાના મુદ્દે ગંભીર ચર્ચાઓ થવી જોઈએ. રાહુલ ગાંધીના મતે, આ ભારત માટે અત્યાર સુધીની સૌથી શક્તિશાળી વાતચીત સાબિત થઈ શકે છે.

