સરદાર પટેલ યુનિવર્સિટીની વિદ્યાર્થીથી ટેક સ્ટાર્ટઅપ ફાઉન્ડર સુધી: શ્વેતાબેન પ્રજાપતિ બનાવી રહ્યા છે સ્વદેશી ‘Brain Band’
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આણંદની એક એવી મહિલા સાહસિકની વાત કરવી છે જેમણે પોતાની નબળાઈને જ પોતાની તાકાત બનાવી દીધી. શ્વેતાબેન પ્રજાપતિએ તેમના અભ્યાસકાળ દરમિયાન સ્ટ્રેસ, એન્ઝાયટી અને પેનિક અટેક્સ જેવી ગંભીર માનસિક સમસ્યાઓનો સામનો કર્યો હતો. આ પીડામાંથી બહાર આવ્યા બાદ તેમણે નક્કી કર્યું કે અન્ય કોઈ યુવાનને આવી સ્થિતિમાંથી પસાર ન થવું પડે તે માટે તેઓ કામ કરશે. આ વિચાર સાથે તેમણે ‘સર્બો ટેક એજ્યુકેશન પ્રાઈવેટ લિમિટેડ’ સ્ટાર્ટઅપની શરૂઆત કરી, જે આજે ટેકનોલોજીના માધ્યમથી લોકોના માનસિક સ્વાસ્થ્યને સુધારવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે.
‘ન્યુરોમ’ એપ: પ્રાચીન સનાતન પદ્ધતિ અને આધુનિક વિજ્ઞાનનો અદભૂત સમન્વય
શ્વેતાબેને ઇલોન મસ્ક જેવી આધુનિક બ્રેન-કોમ્પ્યુટર ઇન્ટરફેસ (BCI) ટેકનોલોજીનો ઉપયોગ કરીને ‘ન્યુરોમ’ (Neurom) નામની એપ્લિકેશન વિકસાવી છે. આ એપમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગના માધ્યમથી મેડિટેશન, સાઉન્ડ થેરાપી અને ત્રાટક જેવી એક્સરસાઈઝને ડિજિટલ સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. આ સંશોધનને IIT ગાંધીનગરની રિસર્ચ ટીમ દ્વારા વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૧૦,૦૦૦થી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે, જે દર્શાવે છે કે આધુનિક યુગમાં માનસિક તણાવ મુક્ત થવા માટે આ ટેકનોલોજી કેટલી ઉપયોગી સાબિત થઈ રહી છે.
સરકારની સ્ટાર્ટઅપ પોલિસી અને ૫૦ લાખની ગ્રાન્ટથી મળી નવી પાંખો
એક મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે શ્વેતાબેનની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કુલ ૫૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે. SSIP, સૃજન, અને નિધિ પ્રયાસ જેવી પ્રતિષ્ઠિત યોજનાઓ હેઠળ મળેલી આ આર્થિક સહાયને કારણે જ તેઓ પોતાના સંશોધનને સફળતાપૂર્વક આગળ વધારી શક્યા છે. ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર અને વિવિધ ઇન્ક્યુબેશન સેન્ટર્સ જેમ કે GUSEC અને i-Hub દ્વારા તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આ સરકારી સહયોગ સાબિત કરે છે કે જો યોગ્ય પ્રોત્સાહન મળે તો ભારતીય મહિલાઓ વૈશ્વિક સ્તરની ટેકનોલોજી વિકસાવી શકે છે.
‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત સસ્તું અને સ્વદેશી ‘બ્રેન બેન્ડ’
શ્વેતાબેનનું સ્ટાર્ટઅપ હાલમાં એક ખાસ ‘બ્રેન બેન્ડ’ (Brain Band) પર કામ કરી રહ્યું છે. વિદેશમાં લાખોની કિંમતે મળતા આ હાઇ-ટેક બેન્ડને તેઓ માત્ર ૩ થી ૪ હજાર રૂપિયામાં સામાન્ય લોકો સુધી પહોંચાડવા માંગે છે. સ્માર્ટ વોચની જેમ પહેરી શકાતું આ બેન્ડ યુઝર્સના મેડિટેશન લેવલ, પ્રોડક્ટિવિટી અને સ્ટ્રેસને માપી શકશે. આ સ્વદેશી ઉપકરણ દ્વારા ભારતને ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં આણંદનું આ સ્ટાર્ટઅપ મોટું યોગદાન આપી રહ્યું છે. શ્વેતાબેનની આ સિદ્ધિ બદલ તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

