સુરેન્દ્રનગર જિલ્લામાં અસ્મિતા લીગ અંતર્ગત દોડ અને રસ્સાકસી સ્પર્ધાઓમાં યુવતીઓનો ઉત્સાહભેર ભાગ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સ્પોર્ટ્સ સંકુલ ખાતે ‘અસ્મિતા લીગ’નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના રમતગમત મંત્રાલય અને ‘માય ભારત’ના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમતગમત કચેરી દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને ઘરની બહાર નીકળી મેદાનમાં રમતી કરવાનો, તેમનામાં આત્મવિશ્વાસ વધારવાનો અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ આયોજનથી જિલ્લાની દીકરીઓને પોતાની ખેલ પ્રતિભા બતાવવા માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ મળ્યું હતું.
દોડ અને રસ્સાકસી જેવી રમતોમાં મહિલાઓનો અદભૂત જુસ્સો
આ લીગમાં નાની બાળાઓથી લઈને મોટી ઉંમરની મહિલાઓ માટે વિવિધ રમતો રાખવામાં આવી હતી. જેમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટરની દોડમાં બહેનોએ પોતાની ગતિ અને શક્તિનો પરચો આપ્યો હતો. આ ઉપરાંત, ટીમ વર્કની ભાવના જગાડતી ‘રસ્સાકસી’ (ટગ ઓફ વોર) સ્પર્ધામાં ભારે રસાકસી જોવા મળી હતી જે પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. શાળા-કોલેજની યુવતીઓ અને સ્થાનિક મહિલાઓએ ખેલદિલી પૂર્વક ભાગ લઈને સ્પોર્ટ્સ સંકુલના વાતાવરણને ગજવી મૂક્યું હતું.
સામુદાયિક સહયોગ અને વિજેતા ખેલાડીઓનું સન્માન
શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ખેલો ઈન્ડિયાના કોચ અને સ્વયંસેવકોના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સ્પર્ધાના અંતે વિજેતા બહેનોને મહાનુભાવોના હસ્તે ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. નગરપાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓએ હાજર રહીને જણાવ્યું હતું કે, આવા આયોજનોથી જિલ્લાની દીકરીઓને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવાની નવી તકો અને પ્રેરણા મળશે. કાર્યક્રમના અંતે તમામ સ્પર્ધકો અને મદદ કરનાર ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.
