દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને જમીનની ફળદ્રુપતા વધારવાનો પ્રયાસ
આજના સમયમાં રાસાયણિક ખેતીના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને ખેતી ખર્ચ વધી રહ્યો છે, ત્યારે તાપી જિલ્લાના ૧૫ હજારથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવીને નવો રાહ ચીંધ્યો છે. હાલમાં જિલ્લામાં આશરે ૭૬૮૭ એકર જમીનમાં ગાય આધારિત ખેતી કરવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર દેશી ગાય છે. ગાયના ગોબર અને ગૌમૂત્રના ઉપયોગથી રાસાયણિક ખાતર વગર પણ ઉચ્ચ ગુણવત્તાવાળો પાક મેળવી શકાય છે, જે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય બંને માટે ખૂબ જ ફાયદાકારક છે.
પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આધાર સ્તંભો
પ્રાકૃતિક ખેતીમાં પાંચ પાયાની પ્રક્રિયાઓ ખૂબ મહત્વની ગણાય છે: બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાફસા અને જંતુનાશક અસ્ત્રો. વાવણી પહેલાં બીજને ફૂગ અને રોગોથી બચાવવા માટે ‘બીજામૃત’નો પટ આપવામાં આવે છે, જે બીજની ઉગવાની ક્ષમતા વધારે છે. જ્યારે જમીનની ફળદ્રુપતા અને પોષક તત્વો વધારવા માટે ‘જીવામૃત’નો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયામાં દેશી ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ અને કઠોળના લોટનું મિશ્રણ બનાવી જમીનમાં આપવામાં આવે છે, જે સૂક્ષ્મજીવો અને અળસિયાની સંખ્યામાં વધારો કરે છે.
જમીનમાં ભેજ જાળવણી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન
ખેતીમાં પાણીની બચત કરવા માટે ‘આચ્છાદન’ પદ્ધતિ શ્રેષ્ઠ છે, જેમાં પાકના અવશેષો કે પાંદડાઓથી જમીનને ઢાંકવામાં આવે છે. આનાથી જમીનમાં લાંબા સમય સુધી ભેજ જળવાઈ રહે છે અને પાણીનું બાષ્પીભવન ઓછું થાય છે. પ્રાકૃતિક ખેતીની સૌથી મોટી વિશેષતા એ છે કે માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રની મદદથી આશરે ૩૦ એકર જમીનમાં ખેતી કરી શકાય છે. આ પદ્ધતિથી ખેતીનો ખર્ચ નહિવત થઈ જાય છે અને ખેડૂતોને આર્થિક રીતે મોટો ફાયદો થાય છે.

