LPG સંકટ પર કેજરીવાલનો કેન્દ્ર પર પ્રહાર: ‘દેશને અમેરિકાની કોલોની બનાવી દીધો’
દેશમાં એલપીજી (LPG) ગેસની અછત અને વધતી કિંમતોને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે દાવો કર્યો હતો કે સરકારની નબળી વિદેશ નીતિને કારણે આજે આખો દેશ ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે.
ગેસ સપ્લાય ખોરવાતા ઉદ્યોગો ઠપ્પ
પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે દેશમાં ગેસનું ઉત્પાદન લગભગ 50 ટકા જેટલું ઘટી ગયું છે, જ્યારે ભારત પોતાની જરૂરિયાતનો 60 ટકા હિસ્સો આયાત પર નિર્ભર છે. તેમણે ટેકનિકલ કારણો આપતા સમજાવ્યું કે ભારતની આયાતનો 90 ટકા હિસ્સો ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) માંથી આવતો હતો, જે હાલમાં બંધ હોવાથી સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે.
આ સંકટની સૌથી વધુ અસર હોટલ, રેસ્ટોરન્ટ અને નાના ઉદ્યોગો પર પડી રહી છે. કેજરીવાલે આંકડા આપતા કહ્યું કે:
- મુંબઈમાં અંદાજે 20 ટકા હોટલો બંધ થઈ ગઈ છે.
- ગુજરાતના મોરબીમાં 650 માંથી 170 જેટલા ઉદ્યોગો બંધ થયા છે, જેનાથી લાખો લોકો બેરોજગાર થયા છે.
- પંજાબ અને NCR માં પણ હજારો રેસ્ટોરન્ટ્સ બંધ થવાની કણી પર છે.
વિદેશ નીતિ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભારતની પરંપરાગત ‘બિન-જોડાણવાદી નીતિ’ (Non-Alignment Policy) ને ખતમ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે યુદ્ધની સ્થિતિમાં ભારતને કોઈ એક પક્ષ નહોતો લેવો જોઈતો, પરંતુ વડાપ્રધાન મોદી અમેરિકા અને ઈઝરાયેલના પક્ષમાં દેખાયા, જેના કારણે ઈરાન જેવા જૂના મિત્ર દેશો નારાજ થઈ ગયા છે. તેમણે 1971ના યુદ્ધનું ઉદાહરણ આપીને પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના મક્કમ નિર્ણયોની યાદ અપાવી હતી.
‘અમેરિકાના દબાણમાં કામ કરે છે સરકાર’
કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું કે, “વર્તમાન સરકારે દેશને અમેરિકાની એક કોલોની બનાવી દીધો છે. જે રીતે અંગ્રેજોના સમયમાં આપણે નબળા હતા, આજે અમેરિકાએ પણ ભારતને નબળું પાડી દીધું છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે અમેરિકાના કહેવા પર રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવામાં આવ્યું, જેનાથી દેશને 8 લાખ કરોડનું નુકસાન થયું છે. કેજરીવાલે સવાલ કર્યો કે શા માટે અમેરિકાનો એક નાનો અધિકારી પણ ભારત સરકારને આદેશ આપી જાય છે? તેમણે વડાપ્રધાનને સલાહ આપી કે જો તેઓ દબાણમાં હોય તો પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

