પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યા બાદ મુશ્કેલીમાં કાવ્યા મારનની સનરાઇઝર્સ લીડ્સ, ફ્રેન્ચાઇઝીનું X એકાઉન્ટ થયું સસ્પેન્ડ
ઈંગ્લેન્ડની ‘ધ હન્ડ્રેડ’ લીગના ઓક્શનમાં પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને ખરીદ્યા બાદ સનરાઇઝર્સ લીડ્સ ફ્રેન્ચાઇઝી વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે. 12 માર્ચના રોજ યોજાયેલા ઓક્શનમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર ભારતીય ફેન્સનો રોષ ફાટી નીકળતા ફ્રેન્ચાઇઝી માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. આ વિવાદ વચ્ચે સનરાઇઝર્સ લીડ્સનું સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ (X) સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.
ઓક્શનમાં અબરાર અહેમદ પર લગાવી મોટી બોલી
હરાજી દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ની માલિક કાવ્યા મારન ટેબલ પર હાજર હતી. તેમણે પાકિસ્તાની મિસ્ટ્રી સ્પિનર અબરાર અહેમદ માટે બોલી લગાવી અને અંતે 2.3 કરોડ રૂપિયા (આશરે 2,55,000 યુએસ ડોલર) આપીને તેમને ટીમમાં સામેલ કર્યા. ‘ધ હન્ડ્રેડ’ ના ઈતિહાસમાં અબરાર અહેમદ પ્રથમ એવા પાકિસ્તાની ખેલાડી બન્યા છે જેને કોઈ ભારતીય માલિકી ધરાવતી ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યા હોય.
સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ અને ફેન્સનો આક્રોશ
અબરારની ખરીદીના સમાચાર વાયુવેગે ફેલાતા જ ભારતીય ક્રિકેટ ફેન્સે કાવ્યા મારન અને સનરાઇઝર્સ ફ્રેન્ચાઇઝીની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. ઘણા ફેન્સે આ નિર્ણયને દેશની લાગણીઓ વિરુદ્ધ ગણાવ્યો હતો. આ હોબાળા વચ્ચે, ઓક્શનની રાત્રે જ આશરે 2 વાગ્યે સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. જોકે, પ્લેટફોર્મ દ્વારા કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી, પરંતુ માનવામાં આવે છે કે નિયમોના ઉલ્લંઘન અથવા અચાનક આવેલી નકારાત્મક પ્રતિક્રિયાઓને કારણે આ પગલું લેવાયું હોઈ શકે છે.
શા માટે લેવાયો અબરારને ટીમમાં લેવાનો નિર્ણય?
ઓક્શન પહેલા એવી અટકળો હતી કે ભારતીય માલિકો પાકિસ્તાની ખેલાડીઓ પર ‘શેડો બેન’ (અઘોષિત પ્રતિબંધ) રાખશે અને તેમને ખરીદવાનું ટાળશે. જોકે, સનરાઇઝર્સના કોચ ડેનિયલ વિટોરીએ આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પાસેથી અબરાર વિશે મળેલા હકારાત્મક પ્રતિસાદને આધારે જ તેને ટીમમાં લેવાનો નિર્ણય લેવાયો હતો. વિટોરીએ એમ પણ ઉમેર્યું કે પાકિસ્તાની ખેલાડીઓને લેવા અંગે ફ્રેન્ચાઇઝીમાં અગાઉ કોઈ ખાસ મીટિંગ થઈ નહોતી.

