જિલ્લા ટાસ્ક ફોર્સની રચના સાથે ગેસ પુરવઠા સુનિશ્ચિત, PNG કન્વર્ઝન કામગીરીને વેગ
મિડલ ઇસ્ટની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ઘરેલું એલ.પી.જી. ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે સઘન મોનિટરીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ સંદર્ભે સુરત જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સુરત મહાનગરપાલિકા, જી.આઈ.ડી.સી., રેલ્વે અને વન વિભાગ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ગેસ પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે જિલ્લામાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠા પ્રણાલી સંપૂર્ણપણે કાર્યરત છે.
‘ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ’ની રચના અને સુરક્ષાના પગલાં
પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ’ની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ જિલ્લાના ગેસ ગોડાઉનોમાં સ્ટોકની સતત ચકાસણી કરશે જેથી કોઈ કૃત્રિમ અછત ઊભી ન થાય. કલેક્ટરે જણાવ્યું હતું કે ગેસ વિતરક કંપનીઓ દ્વારા સપ્લાય નિયમિત છે અને તેમાં કોઈ વિક્ષેપ પડ્યો નથી. ખાસ કરીને હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી આવશ્યક સેવાઓને પ્રાથમિકતા આપી તેમનો પુરવઠો અવિરત રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
પાઈપલાઈન ગેસ (PNG) જોડાણોમાં ઝડપ લાવવા સૂચના
એલ.પી.જી. સિલિન્ડર પરનું ભારણ ઘટાડવા માટે વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ ગ્રાહકોને પાઈપલાઈન ગેસ (PNG) સાથે જોડવાની કામગીરી તેજ કરવામાં આવી છે. ગુજરાત ગેસ કંપની પાસે લાંબા સમયથી પેન્ડિંગ રહેલી અંદાજે ૨૦૦ જેટલી નવી અરજીઓનો એક અઠવાડિયામાં નિકાલ કરવા માટે એસ.એમ.સી. (SMC) અને જી.આઈ.ડી.સી. જેવી એજન્સીઓને કડક સૂચના આપવામાં આવી છે. આ પગલાથી સિલિન્ડરની માંગમાં ઘટાડો થશે અને વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે.
અફવાઓથી દૂર રહેવા અને પેનિક બુકિંગ ન કરવા અપીલ
જિલ્લા કલેક્ટરે સુરતની જનતાને ખાસ વિનંતી કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી ગભરાઈને જરૂરિયાત કરતા વધુ સિલિન્ડરનું ‘પેનિક બુકિંગ’ ન કરે. ખોટા સંગ્રહખોરી અને કાળાબજાર કરતા તત્વો સામે કાર્યવાહી કરવા માટે પુરવઠા વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમો તૈનાત કરવામાં આવી છે. નાગરિકોને ગેસ સંબંધિત કોઈ પણ સમસ્યા માટે રાજ્ય સરકારની હેલ્પલાઈન નંબર ૧૮૦૦ ૨૩૨ ૦૨૨૨ પર સંપર્ક કરવા જણાવાયું છે.

