ગેસ ગ્રાહકો માટે રાહતના સમાચાર: દરેક માટે e-KYC ફરજિયાત નથી, સરકારે મૂંઝવણ દૂર કરી
છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડર વાપરતા ગ્રાહકોમાં ભારે મૂંઝવણ જોવા મળી રહી હતી. સોશિયલ મીડિયા અને સમાચારોમાં એવી ચર્ચા હતી કે દરેક LPG ગ્રાહકે ફરીથી આધાર કાર્ડ દ્વારા બાયોમેટ્રિક વેરિફિકેશન એટલે કે e-KYC કરાવવું પડશે. આ મૂંઝવણને દૂર કરવા માટે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે 15 માર્ચે એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા જારી કરી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ “નવો નિયમ” નથી, પરંતુ ગેસ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવાની એક સતત ચાલતી પ્રક્રિયા છે.
સૌથી મોટી રાહતના સમાચાર એ છે કે e-KYC દરેક ગ્રાહક માટે ફરજિયાત નથી. ઘણા લોકો એવા છે જેમણે અગાઉ કનેક્શન લેતી વખતે અથવા તે પછી પોતાની વિગતો અપડેટ કરી દીધી છે. એવા ગ્રાહકોએ ફરીથી ગેસ એજન્સી પર જઈને લાઈનમાં ઉભા રહેવાની કોઈ જરૂર નથી. સરકારનો મુખ્ય હેતુ એ છે કે સબસિડીનો લાભ યોગ્ય અને સાચા ગ્રાહક સુધી જ પહોંચે અને નકલી કનેક્શન પર રોક લગાવી શકાય. જો તમે તમારા આધાર કાર્ડને પહેલાથી જ લિંક કરી દીધું છે અને તમારી વિગતો અપડેટેડ છે, તો તમારે આ પ્રક્રિયામાંથી મુક્તિ મળી શકે છે.
કોણે e-KYC કરાવવું જરૂરી છે અને કોણે નહીં? જાણો સંપૂર્ણ વિગત
સરકારના નવા આદેશ મુજબ, e-KYC માત્ર એવા ગ્રાહકો માટે જ જરૂરી છે જેમનું વેરિફિકેશન હજુ સુધી બાકી છે. જો તમે સામાન્ય (Non-PMUY) ગ્રાહક છો અને એકવાર તમારું બાયોમેટ્રિક પ્રમાણીકરણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે, તો તમારે આ પ્રક્રિયા વારંવાર કરવાની જરૂર રહેતી નથી. એકવાર થયેલું e-KYC કાયમી ધોરણે માન્ય ગણાય છે.
પરંતુ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ના લાભાર્થીઓ માટે નિયમ થોડો અલગ અને કડક છે. આ યોજના હેઠળ મફત કનેક્શન મેળવનાર પરિવારોએ દર નાણાકીય વર્ષમાં એકવાર e-KYC કરાવવું પડશે. આનું કારણ એ છે કે સરકાર ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને સીધી સબસિડી (DBT) પૂરી પાડે છે. ખાસ કરીને જ્યારે કોઈ પરિવાર વર્ષના 7 સિલિન્ડર પૂરા કરી લે અને 8મા કે 9મા સિલિન્ડર માટે રિફિલ બુક કરાવે, ત્યારે તેમની સબસિડી ચાલુ રાખવા માટે આ વાર્ષિક વેરિફિકેશન અત્યંત જરૂરી બની જાય છે. જો ઉજ્જવલા ગ્રાહક આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તો તેમને મળતી સબસિડી અટકી શકે છે, જોકે ગેસનો પુરવઠો તો ચાલુ જ રહેશે.
શું e-KYC વગર ગેસ સિલિન્ડર મળવાનું બંધ થઈ જશે?
ગ્રાહકોમાં સૌથી મોટો ડર એ હતો કે જો તેઓ e-KYC નહીં કરાવે તો શું તેમને ગેસ સિલિન્ડર મળવાનું બંધ થઈ જશે? આ અંગે મંત્રાલયે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં આશ્વાસન આપ્યું છે કે કોઈપણ ગ્રાહકનો ગેસ સપ્લાય રોકવામાં આવશે નહીં. e-KYC પેન્ડિંગ હોવાને કારણે તમારી ડિલિવરી અટકશે નહીં. ગેસ સિલિન્ડરની સપ્લાય હંમેશની જેમ રાબેતા મુજબ ચાલુ રહેશે.
Clarification: LPG Biometric Aadhaar Authentication (eKYC) only required for unauthenticated LPG customers and not all customers pic.twitter.com/oySbhPgJ47
— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) March 17, 2026
તફાવત માત્ર સબસિડી (Subisdy) ના કિસ્સામાં પડી શકે છે. સરકારના નિયમ મુજબ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) નો લાભ લેવા માટે આધાર લિંકિંગ અને e-KYC અનિવાર્ય છે. તેથી જો તમારી કેવાયસી વિગતો અધૂરી હશે, તો ગેસ સિલિન્ડર તો ઘરે આવશે પણ તેની સબસિડીના નાણાં તમારા બેંક ખાતામાં જમા નહીં થાય. આ ઉપરાંત, સંગ્રહખોરી રોકવા માટે પણ આ પ્રક્રિયા જરૂરી છે. સરકારે વિવિધ રાજ્યોમાં જે દરોડા પાડ્યા છે તેનાથી જાણવા મળ્યું છે કે ઘણા કિસ્સાઓમાં એક જ આધાર પર અનેક જોડાણો ચાલતા હતા અથવા વ્યાપારી હેતુ માટે ઘરેલું ગેસનો ઉપયોગ થતો હતો. e-KYC દ્વારા આવા ખોટા વ્યવહારોને ડામી દેવામાં આવશે, જેનાથી પ્રમાણિક ગ્રાહકોને સમયસર અને પૂરતો ગેસ મળી રહેશે.
કેવી રીતે કરાવવું e-KYC? ઘરે બેઠા પણ થઈ શકે છે કામ
ઘણા લોકોને લાગે છે કે e-KYC માટે ગેસ એજન્સી પર જઈને કલાકો સુધી ઉભા રહેવું પડશે, પરંતુ હવે ટેકનોલોજીના કારણે આ કામ ઘણું સરળ થઈ ગયું છે. તમે નીચેની પદ્ધતિઓ દ્વારા તમારી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો:
-
મોબાઈલ એપ્લિકેશન દ્વારા: ઇન્ડિયન ઓઈલ (IndianOil One), ભારત ગેસ (Hello BPCL) અને એચપી ગેસ (HP Pay) ની સત્તાવાર એપ્સ ડાઉનલોડ કરીને તમે ફેસ વેરિફિકેશન (Face Authentication) દ્વારા ઘરે બેઠા e-KYC કરી શકો છો. આ માટે તમારે ‘AadhaarFaceRd’ એપ પણ ઇન્સ્ટોલ કરવી પડશે.
-
ગેસ એજન્સી પર જઈને: જો તમે ઓનલાઇન પ્રક્રિયામાં ફાવતા ન હોવ, તો તમે તમારી નજીકની ગેસ એજન્સી પર જઈને બાયોમેટ્રિક મશીન પર અંગૂઠો મૂકીને વેરિફિકેશન કરાવી શકો છો. આ માટે આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે.
-
ડિલિવરી બોય દ્વારા: ઘણી કંપનીઓ હવે ડિલિવરી બોયને પણ બાયોમેટ્રિક મશીન આપી રહી છે, જેથી જ્યારે તેઓ સિલિન્ડર આપવા આવે ત્યારે જ તમારું કેવાયસી કરી શકે.
સરકારનું આ પગલું ડિજિટલ ઇન્ડિયાને મજબૂત બનાવવા અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા તરફનું એક સકારાત્મક પગલું છે. તેથી જો તમારું કેવાયસી બાકી હોય, તો ચિંતા કર્યા વગર તેને સમયસર પૂર્ણ કરી લેવું હિતાવહ છે જેથી તમારી સબસિડીમાં કોઈ અવરોધ ન આવે.
