6 મહિનાથી દારૂને હાથ પણ નથી લગાડ્યો, IPL 2026 પહેલા ભારતીય સ્પિનર ચહલે ખોલ્યું મોટું રહસ્ય
ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનનો પ્રારંભ 28 માર્ચથી થવા જઈ રહ્યો છે. આ ભવ્ય ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા પંજાબ કિંગ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પોતાની અંગત જિંદગીને લઈને એક એવો ખુલાસો કર્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ચાહકોને ચોંકાવી દીધા છે. IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર આ બોલરે પોતાની ફિટનેસ અને પ્રદર્શન સુધારવા માટે એક કઠોર નિર્ણય લીધો છે.
ચહલે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ એબી ડી વિલિયર્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેણે છેલ્લા 6 મહિનાથી દારૂથી સંપૂર્ણ અંતર બનાવી લીધું છે. આ વખતે ચહલ પંજાબ કિંગ્સ તરફથી રમતા જોવા મળશે અને તે પોતાની ટીમને પ્રથમ ખિતાબ જીતાડવા માટે કોઈ કસર છોડવા માંગતો નથી.
6 મહિનાથી દારૂથી દૂર, યુવા ખેલાડીઓ માટે બનવા માંગે છે રોલ મોડલ
પોતાના આ મોટા નિર્ણય વિશે વાત કરતા ચહલે કહ્યું કે, “મેં દારૂ પીવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે અને તેને 6 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. હવે હું 35 વર્ષનો થઈ ગયો છું, તેથી હું મેદાન પર વધુ એક્ટિવ રહેવા માંગું છું અને મારી ટીમ માટે 150% યોગદાન આપવા માંગું છું. એક સિનિયર ખેલાડી તરીકે હું ઈચ્છું છું કે આઈપીએલમાં યુવા ખેલાડીઓ મારામાંથી કંઈક શીખે.”
ચહલે વધુમાં ઉમેર્યું કે તે ટીમમાં ઉભરતા ક્રિકેટરો માટે એક આદર્શ (રોલ મોડલ) બનવા માંગે છે. આ જ વિચારધારાએ તેને જીવનશૈલીમાં આટલો મોટો ફેરફાર કરવા માટે પ્રેરિત કર્યો છે.
ઈજાઓથી હતાશ હતો ચહલ, હવે ફિટનેસ પર જોર
IPL 2025 દરમિયાન ચહલના પ્રદર્શન પર નજર કરીએ તો તેણે 14 મેચમાં 16 વિકેટ ઝડપી હતી અને પંજાબને ફાઈનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, ખિતાબી મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગત સીઝનની પોતાની ઈજાઓ વિશે વાત કરતા ચહલે કહ્યું કે, “કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચ બાદ મારી પાંસળીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને ત્યારબાદ આંગળીમાં પણ ઈજા થઈ હતી. આ કારણોસર હું સેમીફાઈનલ અને ફાઈનલમાં મારી અસલી લેગ સ્પિન નાખી શક્યો નહોતો, જેનાથી હું થોડો નિરાશ હતો.”
ટીમ ઈન્ડિયામાં વાપસીનો મોટો મોકો
IPL 2026 યુઝવેન્દ્ર ચહલ માટે માત્ર એક લીગ નથી, પરંતુ ભારતીય ટીમમાં વાપસી કરવાનો એક સુવર્ણ અવસર પણ છે. ચહલે છેલ્લે વર્ષ 2023માં ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને ત્યારથી તે ટીમની બહાર ચાલી રહ્યો છે. હવે નવી માનસિકતા અને શાનદાર ફિટનેસ સાથે ચહલ ફરી એકવાર મેદાન પર પોતાની સ્પિનનો જાદુ ચલાવવા તૈયાર છે.

