શું અમેરિકા ઈરાન યુદ્ધમાંથી પીછેહઠ કરી રહ્યું છે? 48 કલાકમાં 3 જંગી જહાજોને મધ્ય પૂર્વથી દૂર ખસેડ્યા
ઈરાન સામેના જંગમાં અમેરિકા પર વધતા જતા દબાણ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ મધ્ય પૂર્વમાં તૈનાત તેના ત્રણ શક્તિશાળી જહાજોને ઈરાન સરહદથી દૂર ખસેડી લીધા છે. જેમાં અત્યાધુનિક યુદ્ધજહાજ ‘જેરાલ્ડ ફોર્ડ’નો પણ સમાવેશ થાય છે. આ હિલચાલ એવા સમયે થઈ છે જ્યારે આ યુદ્ધ લાંબુ ખેંચાવાની શક્યતા દેખાઈ રહી છે. જોકે, આ જહાજોને હટાવવા પાછળ અમેરિકાએ ટેકનિકલ કારણો આપ્યા છે.
કયા જહાજોને ક્યાં ખસેડવામાં આવ્યા?
1. યુદ્ધજહાજ જેરાલ્ડ ફોર્ડ: સીએનએનના અહેવાલ મુજબ, જાન્યુઆરી 2026 થી ઓમાનની ખાડીમાં ઈરાનની ઘેરાબંધી કરી રહેલા ‘જેરાલ્ડ ફોર્ડ’ને હવે ક્રેતે સ્થિત અમેરિકી નૌકાદળના મથક તરફ લઈ જવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે આ જહાજમાં આગ લાગી હતી, જેના કારણે તે ઘણું ક્ષતિગ્રસ્ત થયું છે. તેને રિપેરિંગ માટે યુદ્ધના મેદાનથી દૂર લઈ જવામાં આવી રહ્યું છે. તેની જગ્યાએ કયું નવું જહાજ આવશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
2. યુએસએસ તુલસા અને યુએસએસ સાન્ટા: ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, સમુદ્રની અંદર રહેલી બારૂદી સુરંગો (Mines) ને હટાવનારા બે અમેરિકી જહાજોને હવે મલેશિયા તરફ રવાના કરવામાં આવ્યા છે. સેટેલાઇટ તસવીરોમાં આ જહાજો હોર્મુઝની ખાડીથી લગભગ 3500 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં મધ્ય પૂર્વમાં આ કેટેગરીનું માત્ર એક જ જહાજ બાકી રહ્યું છે.
ઈરાન જંગમાં ફસાયેલું અમેરિકા?
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનના મતે, ટ્રમ્પ પ્રશાસન ઈરાન સાથેના યુદ્ધમાં ખરાબ રીતે ફસાઈ ગયું છે. તેમણે એક લેખમાં જણાવ્યું છે કે, અમેરિકા આ યુદ્ધને ઝડપથી ખતમ કરવા ઈચ્છતું હતું, પરંતુ ઈરાને તેને લાંબી લડાઈમાં ગૂંચવી દીધું છે. હવે ટ્રમ્પ પાસે યુદ્ધ રોકવાનો સરળ વિકલ્પ નથી. જો તે કોઈ નક્કર સમજૂતી વિના પીછેહઠ કરે છે, તો વિશ્વભરમાં અમેરિકાની આબરૂ ખરડાઈ શકે છે.
વૈશ્વિક અપીલ અને શાંતિના પ્રયાસો
બીજી તરફ, ઓમાનના વિદેશ મંત્રી અલબુસૈદીએ પણ અમેરિકાને તાત્કાલિક યુદ્ધ રોકવા અપીલ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે આ યુદ્ધ ગમે ત્યારે ખતમ થાય, પણ જીત કોઈની થવાની નથી; તેના બદલે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને સુરક્ષા પર તેની ગંભીર અસર પડશે. ઓમાન લાંબા સમયથી બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ હાલની સ્થિતિ જોતા શાંતિ સ્થાપવી મુશ્કેલ જણાઈ રહી છે.

