‘હર ઘર જલ’ના સંકલ્પને નવી દિશા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં મહત્વપૂર્ણ કરાર સંપન્ન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને કેન્દ્રના પેયજળ વિભાગ વચ્ચે જલ જીવન મિશન 2.0 માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) સંપન્ન થયા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના વિસ્તારો સહિત દરેક ઘર સુધી પૂરતું અને સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા માટે સરકાર મક્કમ છે. આ કરાર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વ્યવસ્થાપન અને નાગરિકોના જીવનધોરણના ગુણાત્મક વિકાસમાં પાયાનો પથ્થર સાબિત થશે, જે “હર ઘર જલ”ના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.
૨૦૨૮ સુધીમાં પાણી પુરવઠા વ્યવસ્થાનું મજબૂતીકરણ અને સસ્ટેનેબિલિટી
વર્ષ ૨૦૧૯માં શરૂ થયેલા જલ જીવન મિશનમાં ગુજરાતે ઓક્ટોબર ૨૦૨૨ સુધીમાં દરેક ગ્રામ્ય ઘરમાં નળથી પાણી પહોંચાડવાનું લક્ષ્ય સિદ્ધ કરી લીધું છે. હવે જલ જીવન મિશન 2.0 અંતર્ગત વર્ષ ૨૦૨૮ સુધીમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ આધુનિક, નિયમિત અને ટકાઉ (સસ્ટેનેબલ) બનાવવાનું આયોજન છે. આ નવા તબક્કામાં પાણીની ગુણવત્તા જળવાઈ રહે અને વિતરણ વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ એમઓયુ યોજનાઓના પારદર્શી અમલીકરણ અને ડિજિટલ મોનિટરિંગ માટે એક મજબૂત માળખું પૂરું પાડશે.
ગ્રામ પંચાયતોની ભાગીદારી અને ‘સુજલમ ભારત’ ડિજિટલ મોનિટરિંગ
આ નવા મિશન હેઠળ પાણી પુરવઠા યોજનાઓ પૂર્ણ કરી તેને ગ્રામ પંચાયતોને સોંપવામાં આવશે, જેથી સ્થાનિક સ્તરે તેનું સંચાલન થઈ શકે. વિલેજ વોટર એન્ડ સેનિટેશન કમિટી (VWSC) દ્વારા ગામ સ્તરે પાણીનું વ્યવસ્થાપન અને મેન્ટેનન્સ સુનિશ્ચિત કરવામાં આવશે. વધુમાં, પારદર્શિતા વધારવા માટે ‘સુજલમ ભારત’ અને ‘પીએમ ગતિશક્તિ’ જેવા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત, ‘નલ જલ મિત્ર’ જેવી પહેલ દ્વારા સ્થાનિક સ્તરે કુશળ માનવ સંસાધન તૈયાર કરવામાં આવશે જે ટેકનિકલ ખામીઓનું નિવારણ કરશે.
કેન્દ્ર-રાજ્યનું સંકલન અને ‘જલ ઉત્સવ’ દ્વારા જનજાગૃતિ
એમઓયુ મુજબ કેન્દ્ર સરકાર માર્ગદર્શન, ફંડિંગ અને મોનિટરિંગની જવાબદારી નિભાવશે, જ્યારે રાજ્ય સરકાર નીતિગત સુધારા અને ટેકનિકલ અમલીકરણ સંભાળશે. પાણીની ગુણવત્તા ચકાસણી અને પાણી સંરક્ષણ માટે ‘જલ ઉત્સવ’ જેવા જનજાગૃતિ અભિયાનો પણ ચલાવવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને અગ્ર સચિવ શાહમીના હુસેન સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. સરકારના આ સઘન પ્રયાસોથી ગ્રામીણ ગુજરાતમાં પાણીની સુરક્ષા સુનિશ્ચિત થશે અને ખેતી તેમજ પશુપાલન આધારિત ગ્રામ્ય અર્થતંત્રને પણ વેગ મળશે.
