હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાનનો નવો દાવ: જહાજો પાસેથી $20 લાખની વસૂલાત અને ટ્રમ્પની ચેતવણી
વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઓઈલ સપ્લાય રૂટ ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) માં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ઈરાને હવે આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી આશરે $20 લાખ (આશરે ₹17 કરોડથી વધુ) ટ્રાન્ઝિટ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. ઈરાની સંસદ સભ્ય અલાઉદ્દીન બોરુજર્દીના જણાવ્યા અનુસાર, યુદ્ધના ખર્ચને પહોંચી વળવા માટે આ નવો ‘સોવરિન ટેક્સ’ લાદવામાં આવ્યો છે. આ પગલાને કારણે આંતરરાષ્ટ્રીય જળસીમામાં જહાજોની અવરજવર પર મોટું સંકટ ઊભું થયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આગામી 48 કલાકમાં હોર્મુઝની સામુદ્રધુનીને કોઈપણ ખતરા વિના સંપૂર્ણપણે ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના સૌથી મોટા પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરીને તેને નેસ્તનાબૂદ કરી દેશે. ટ્રમ્પની આ ધમકી બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધ ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.
ઈરાનનો વળતો પ્રહાર: ઈઝરાયેલ અને અમેરિકાને ટાર્ગેટ કરવાની ધમકી
ટ્રમ્પની ધમકીના જવાબમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અને અન્ય નેતાઓએ વળતો પ્રહાર કર્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો થશે, તો તેઓ આખા ક્ષેત્રમાં આવેલા અમેરિકા અને ઈઝરાયેલના એનર્જી પ્લાન્ટ્સ, આઈટી સેક્ટર અને ડિસેલિનેશન (પાણી શુદ્ધિકરણ) પ્લાન્ટ્સને નિશાન બનાવશે. પેઝેશ્કિયને કહ્યું કે, “હોર્મુઝની સામુદ્રધુની એ તમામ માટે ખુલ્લી છે જેઓ અમારી જમીનનું સન્માન કરે છે, પરંતુ જેઓ ઉલ્લંઘન કરશે તેમને જડબાતોડ જવાબ મળશે.“
ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો અને એનર્જી ક્રાઈસિસ
આ ભૌગોલિક તણાવની સીધી અસર ક્રૂડ ઓઈલના ભાવ પર જોવા મળી રહી છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ $112.18 ની આસપાસ છે, જે જુલાઈ 2022 પછીનું ઉચ્ચતમ સ્તર છે. નિષ્ણાતોનું માનવું છે કે જો સ્થિતિ વધુ બગડશે તો આ કિંમત ટૂંક સમયમાં $120 ને પાર કરી શકે છે. હોર્મુઝમાં અનેક જહાજો અટવાયા છે, જેમાં ભારત તરફ આવતા જહાજોનો પણ સમાવેશ થાય છે.
IEA ની ગંભીર ચેતવણી: 1970 કરતા પણ મોટું સંકટ
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) ના વડા ફાતિહ બિરોલે ચેતવણી આપી છે કે વિશ્વ અત્યાર સુધીના સૌથી ખરાબ ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે 1970 ના દાયકાના ઓઈલ શોક દરમિયાન વિશ્વએ 10 મિલિયન બેરલ પ્રતિ દિવસનું નુકસાન વેઠ્યું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં આપણે અત્યાર સુધીમાં 11 મિલિયન બેરલ પ્રતિ દિવસ ગુમાવી ચૂક્યા છીએ. આ સ્થિતિ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

