સુરેન્દ્રનગર મિલેટ મહોત્સવમાં લોકકલા-સંસ્કૃતિનો અદભૂત મેળાપ, હુડો રાસથી પઢાર નૃત્ય સુધી જાજરમાન રજૂઆતો
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વઢવાણના ઐતિહાસિક હવા મહેલ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ-૨૦૨૬’નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના પ્રથમ દિવસે સાંજ પડતાની સાથે જ હવા મહેલ આકર્ષક રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો. રાત્રિના સમયે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. કલાકારોએ પોતાની અદભૂત પ્રસ્તુતિ દ્વારા ગુજરાતની ભાતીગળ પરંપરા અને લોકકલાને જીવંત કરી હતી, જેણે ઝાલાવાડના નાગરિકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો.
હુડો રાસ અને ગોફ-ગૂંથણ નૃત્યની અદ્ભુત રમઝટ
કાર્યક્રમની શરૂઆતમાં જાણીતા કલાકાર પ્રદિપ એ. પરમાર અને તેમની ટીમે સૌરાષ્ટ્રની શાન ગણાતા ‘હુડો રાસ’ની જોરદાર રમઝટ બોલાવી હતી. ત્યારબાદ, કલાકારોએ અત્યંત જટિલ ગણાતા ‘ગોફ-ગૂંથણ’ નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. આ નૃત્યમાં કલાકારોએ તાલબદ્ધ રીતે દોરીની ગૂંથણી કરી અને ફરી તેને ગૂંચવણ વગર ઉકેલી નાખી પોતાની અદભૂત કુશળતાનો પરિચય આપ્યો હતો. આ લોકનૃત્યો જોઈને પ્રેક્ષકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને સતત તાળીઓના ગડગડાટથી કલાકારોને વધાવી લીધા હતા.
વિશ્વવિખ્યાત પઢાર નૃત્ય અને ભક્તિમય ગરબાનું આકર્ષણ
મહોત્સવનું મુખ્ય આકર્ષણ નળકાંઠાના પઢાર સમુદાયનું વિશ્વવિખ્યાત ‘પઢાર નૃત્ય’ રહ્યું હતું. રામભાઈ પઢાર અને તેમના સાથી કલાકારોએ મંજીરા રાસ દ્વારા એવી પ્રસ્તુતિ કરી કે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ સાથે જ કલાકાર વૈશાલીબેન મિસ્ત્રીએ માતાજીની આરાધનાના પ્રતીક સમાન પ્રાચીન અને અર્વાચીન ગરબા રજૂ કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમોની આ મિજબાનીએ હવા મહેલના પરિસરમાં ભક્તિ અને શક્તિનો અનોખો સમન્વય સર્જ્યો હતો, જેની મુલાકાતીઓએ ભરપૂર પ્રશંસા કરી હતી.
પૌષ્ટિક વાનગીઓનો રસાસ્વાદ અને આગામી કાર્યક્રમનું આયોજન
સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે મુલાકાતીઓએ ‘શ્રી ધાન્ય’ એટલે કે મિલેટ આધારિત પૌષ્ટિક વાનગીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ વિવિધ વાનગીઓનો રસાસ્વાદ માણ્યો હતો. બાળકો માટે તૈયાર કરવામાં આવેલ ‘ચિલ્ડ્રન પ્લે એરિયા’ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મહોત્સવના બીજા દિવસે ખ્યાતનામ કલાકાર હિતેશકુમાર બારોટ દ્વારા ‘કસુંબલનો રંગ’ લોકસાહિત્યનો કાર્યક્રમ યોજાનાર છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને આ સાહિત્યિક મિજબાનીમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
