પ્રાકૃતિક ખેતી અને શુદ્ધ આહારનો સંદેશ, રાજકોટના સાહસિકે રચી નવી ઓળખ
ગુજરાત સરકારના કૃષિ વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પરંપરાગત ખેતી અને શુદ્ધ આહારને પ્રોત્સાહન આપવા માટે અનેક સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. રાજકોટના ઉદ્યોગસાહસિક અલકેશભાઈ મોઢાએ આ મેળામાં ભાગ લઈને શુદ્ધ અને સાત્વિક આહારના મહત્વને લોકો સુધી પહોંચાડ્યું હતું. ખાસ કરીને કોરોના કાળ બાદ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે આવેલી જાગૃતિને ધ્યાનમાં રાખીને તેમણે આ દિશામાં એક નવું કદમ ઉઠાવ્યું છે.
પરંપરાગત પદ્ધતિ અને આધુનિક સ્વાસ્થ્યનો અનોખો સમન્વય
અલકેશભાઈ છેલ્લા પાંચ વર્ષથી ‘શિવમ વુડ કોલ્ડપ્રેસ’ દ્વારા કુદરતી લાકડાની ઘાણીનું તેલ તૈયાર કરી રહ્યા છે. તેમણે દક્ષિણ ભારતમાંથી ૨૦ કિલોના ખાસ પથ્થર મંગાવી તેની ખાંડણી તૈયાર કરાવી છે, જેમાં બાવળના લાકડાનો દસ્તો ફિટ કરીને અનોખી ઘાણી બનાવી છે. બાવળનું લાકડું વર્ષોથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. આ પદ્ધતિમાં તેલ અત્યંત ધીમી ગતિએ નીકળે છે, જેથી તે ગરમ થતું નથી અને તેના કુદરતી પોષક તત્વો જળવાઈ રહે છે. આ તેલ તૈયાર કરવામાં કોઈ પણ કેમિકલ કે ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવતો નથી.
શુદ્ધતાનો આગ્રહ અને લાકડા ઘાણીના તેલના સ્વાસ્થ્યવર્ધક ફાયદા
સામાન્ય મશીનરી કરતા આ ઘાણીમાં તેલ કાઢવાની પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે, જેમાં એક ડબ્બો તેલ કાઢતા આશરે સાડા પાંચ કલાક જેટલો સમય લાગે છે. ગરમ થયા વગર કુદરતી રીતે નીકળતું આ તેલ હૃદયની બીમારીઓ અને ટ્રાયગ્લિસરાઈડ જેવી ગંભીર સમસ્યાઓ રોકવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. લોકો હવે રિફાઈન્ડ તેલના બદલે શુદ્ધતાના આગ્રહી બન્યા છે, જેના કારણે આ પ્રકારની કુદરતી પદ્ધતિથી ઉત્પાદિત ચીજવસ્તુઓની માંગ બજારમાં સતત વધી રહી છે.
નાના સાહસિકો માટે સરકારના પ્રદર્શન મેળાઓ બન્યા આશીર્વાદરૂપ
અલકેશભાઈ જણાવે છે કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત મિલેટ મહોત્સવ જેવા કાર્યક્રમો તેમના જેવા નાના સાહસિકો માટે મોટું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આવા મેળાઓના માધ્યમથી તેઓ સીધા જ ગ્રાહકો સુધી પહોંચી શકે છે અને લોકોને પોતાના ઉત્પાદનની ગુણવત્તા વિશે સમજાવી શકે છે. સરકાર અને સાહસિકોના આ સંયુક્ત પ્રયાસોથી આજે શુદ્ધ આહાર અને કુદરતી જીવનશૈલીનો પ્રસાર વધી રહ્યો છે, જે આવનારી પેઢીના સ્વાસ્થ્ય માટે સુખદ સંકેત છે.
