UCC Bill . “ગુજરાતમાં હવે સૌ માટે એક જ કાયદો”: વિધાનસભામાં UCC બિલ પસાર, જાણો સામાન્ય નાગરિકના જીવનમાં શું બદલાશે?
UCC Bill ગુજરાત વિધાનસભામાં આજે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ‘યુનિફોર્મ સિવિલ કોડ’ (UCC) બિલ સફળતાપૂર્વક પસાર કર્યું. ઉત્તરાખંડ પછી ગુજરાત હવે આ કાયદો લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે. લાંબી ચર્ચા, વિપક્ષનો હોબાળો અને અનેક દલીલો બાદ મોડી સાંજે બહુમતી સાથે આ બિલને મંજૂરી આપવામાં આવી હતી. સરકાર આ કાયદાને મહિલા સશક્તિકરણ અને સામાજિક સમાનતા તરફનું ક્રાંતિકારી પગલું ગણાવી રહી છે.
ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક બહુમતીથી પસાર થવા બદલ રાજ્યના સૌ જનપ્રતિનિધિઓ અને સૌ નાગરિકોને અભિનંદન પાઠવું છું. ગુજરાત અને દેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે.
આ સાથે જ ગુજરાત UCC લાગુ કરનારૂ દેશનું બીજું રાજ્ય બન્યું છે.
સમાન નાગરિક સંહિતાના અમલના લીધે…
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 24, 2026
UCC બિલ ૨૦૨૬: શું બદલાશે?
આ બિલના અમલીકરણ બાદ ગુજરાતમાં વર્ષોથી ચાલતા વિવિધ ધર્મોના પર્સનલ લો (વ્યક્તિગત કાયદા) નો અંત આવશે. હવે લગ્ન, છૂટાછેડા, મિલકત વારસાઈ અને દત્તક લેવાની પ્રક્રિયામાં તમામ ધર્મના નાગરિકો માટે એક જ નિયમ લાગુ થશે.
બિલની મુખ્ય જોગવાઈઓ:
-
વારસાઈ હક: હવે દીકરીઓને પણ પૂર્વજોની મિલકતમાં દીકરાઓ જેટલો જ સમાન હિસ્સો મેળવવાનો કાયદેસરનો અધિકાર મળશે.
-
લિવ-ઇન રિલેશનશિપ: રાજ્યમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ ફરજિયાત નોંધણી કરાવવી પડશે. જો નોંધણી નહીં કરવામાં આવે તો ૩ મહિનાની જેલની સજા થઈ શકે છે.
-
બહુપત્નીત્વ પર રોક: એકથી વધુ લગ્ન કરવા અથવા બળજબરીથી લગ્ન કરાવવા બદલ ૭ વર્ષ સુધીની સખત સજાની જોગવાઈ કરવામાં આવી છે.
-
છૂટાછેડા: કોર્ટની બહાર કરવામાં આવતા છૂટાછેડા હવે અમાન્ય ગણાશે. આ નિયમનું ઉલ્લંઘન કરનારને ૩ વર્ષની જેલ થઈ શકે છે.
-
મુક્તિ: આદિવાસી સમુદાયોની પરંપરાઓને માન આપીને તેમને આ બિલના કાર્યક્ષેત્રમાંથી મુક્તિ આપવામાં આવી છે.
વિપક્ષનો આકરો વિરોધ અને વોકઆઉટ
બિલ રજૂ થતાની સાથે જ ગૃહમાં ભારે ગરમાગરમ ચર્ચા જોવા મળી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, “સરકાર આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બિલ ઉતાવળમાં લાવી છે.” વિપક્ષે એવી પણ માંગ કરી હતી કે બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવામાં આવે, પરંતુ સરકારે બહુમતીના જોરે બિલ પસાર કરતા કોંગ્રેસી ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.
“સમાનતા અને ન્યાય” – મુખ્યમંત્રી
બિલ પસાર થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ કાયદો કોઈ ધર્મની વિરુદ્ધ નથી પરંતુ દરેક નાગરિકને સમાન અધિકાર આપવા માટે છે. ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ અને દીકરીઓને ન્યાય અપાવવા માટે આ કાયદો મહત્વનો સાબિત થશે. રાજ્યપાલની સંમતિ મળ્યા બાદ આ બિલ કાયદો બની જશે અને સમગ્ર ગુજરાતમાં લાગુ થશે.
ગુજરાત UCC બિલ ૨૦૨૬ એ માત્ર કાયદો નથી, પરંતુ આધુનિક ભારતની નવી સામાજિક વ્યવસ્થાનો પાયો છે. ૨૬ માર્ચની રામ નવમીની રજા પહેલા લેવાયેલો આ નિર્ણય રાજ્યમાં આવનારા દિવસોમાં મોટી સામાજિક ચર્ચાઓને જન્મ આપશે.
