રોહિત શર્માએ IPL 2026 માં રહેવું પડશે સાવધ: બેટિંગમાં ભૂલ પડશે ભારે, નોંધાઈ શકે છે આ શરમજનક રેકોર્ડ
મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ સુકાની રોહિત શર્મા આગામી IPL 2026 માટે જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. આ સીઝનમાં રોહિત પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કરીને ટીમને છઠ્ઠું ટાઈટલ જીતાડવા માટે ઉત્સુક છે. જોકે, આ વખતે રોહિતે મેદાનમાં ખૂબ જ સંભાળીને બેટિંગ કરવી પડશે. જો તેઓ આગામી સીઝનમાં સાવચેતી નહીં રાખે, તો તેમના નામે એક એવો રેકોર્ડ નોંધાઈ શકે છે જે કોઈપણ બેટ્સમેન ક્યારેય ઈચ્છશે નહીં.
રોહિત શર્મા પર મંડરાતો ‘ડક’નો ખતરો
IPL 2026 માં જો રોહિત શર્મા બે ઇનિંગ્સમાં શૂન્ય રને (ડક પર) આઉટ થશે, તો તેઓ આ લીગના ઇતિહાસમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનારા બેટ્સમેન બની જશે. હાલમાં આ અનિચ્છનીય રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલના નામે છે. મેક્સવેલ અત્યાર સુધીમાં 19 વખત ડક પર આઉટ થયો છે. આ યાદીમાં બીજા સ્થાને દિનેશ કાર્તિક અને રોહિત શર્મા સંયુક્ત રીતે છે, જેઓ 18-18 વખત શૂન્ય રને પેવેલિયન ભેગા થયા છે.
સ્પર્ધકોની ગેરહાજરી વધારશે મુશ્કેલી
રસપ્રદ વાત એ છે કે, આ રેકોર્ડ લિસ્ટમાં રોહિતની ઉપર રહેલા બંને ખેલાડીઓ આ વખતે IPL માં જોવા મળશે નહીં. ગ્લેન મેક્સવેલને પંજાબ કિંગ્સે રીલીઝ કર્યા બાદ તેમણે હરાજીમાં પોતાનું નામ નોંધાવ્યું નથી, જ્યારે દિનેશ કાર્તિકે પહેલેથી જ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ સંજોગોમાં, જો રોહિત આ સીઝનમાં બે વખત પણ શૂન્ય પર આઉટ થશે, તો તેઓ મેક્સવેલને પાછળ છોડીને આ શરમજનક યાદીમાં ટોચ પર પહોંચી જશે.
IPL ના સૌથી સફળ બેટ્સમેનોમાં સ્થાન
એક તરફ જ્યાં શૂન્ય પર આઉટ થવાનો ખતરો છે, તો બીજી તરફ રોહિત શર્મા આઈપીએલના ઈતિહાસના સૌથી સફળ ખેલાડીઓમાંના એક છે. તેમણે અત્યાર સુધી 272 મેચોમાં 7046 રન બનાવ્યા છે અને વિરાટ કોહલી પછી તેઓ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બીજા ખેલાડી છે. એટલું જ નહીં, તેમની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વખત ટ્રોફી જીતી છે. હવે જોવાનું એ રહેશે કે ‘હિટમેન’ આ અનિચ્છનીય રેકોર્ડથી બચીને રનનો વરસાદ કરે છે કે નહીં.

