આન્દ્રે રસેલ માટે KKR નો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય, ૧૨ નંબરની જર્સી રિટાયર કરીને ફ્રેન્ચાઈઝીએ વધાર્યું માન

3 Min Read

KKR એ આન્દ્રે રસેલની 12 નંબરની જર્સી કરી રિટાયર: ફ્રેન્ચાઈઝીના ઈતિહાસમાં ઓલરાઉન્ડરને મળ્યું અમર સ્થાન

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ પોતાના ઈતિહાસના સૌથી પ્રભાવશાળી અને વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલને એક અનોખું સન્માન આપ્યું છે. ફ્રેન્ચાઈઝીએ રસેલની આઈકોનિક ‘નંબર 12’ ની જર્સીને હંમેશા માટે રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ, હવે KKR નો અન્ય કોઈ પણ ખલાડી ભવિષ્યમાં આ નંબરની જર્સી પહેરી શકશે નહીં. આ જાહેરાત કોલકાતામાં આયોજિત પ્રી-સીઝન ઇવેન્ટ ‘નાઈટ્સ અનપ્લગ્ડ’ દરમિયાન કરવામાં આવી હતી.

 kkr.jpg

- Advertisement -

એક યુગનો અંત અને નવા અધ્યાયની શરૂઆત

આન્દ્રે રસેલ 2014 થી 2025 સુધી KKR પરિવારનો અભિન્ન હિસ્સો રહ્યા છે. તેમણે પોતાની કારકિર્દીની 140 IPL મેચોમાંથી 133 મેચો માત્ર કોલકાતા માટે જ રમી હતી. રસેલ 2014 અને 2024 માં ખિતાબ જીતનારી KKR ટીમનો મહત્વનો ભાગ હતા. IPL 2026 ની સીઝન પહેલા તેમણે સક્રિય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, જોકે તેઓ હજુ પણ ફ્રેન્ચાઈઝી સાથે ‘પાવર કોચ’ તરીકે જોડાયેલા રહેશે. CEO વેંકી મૈસૂરે આ સન્માનને રસેલના શાનદાર પ્રદાન બદલ એક ઉચિત ભેટ ગણાવી હતી.

આંકડાઓમાં રસેલનું વર્ચસ્વ

KKR માટે રમતી વખતે રસેલે મેદાન પર અનેક યાદગાર ઇનિંગ્સ રમી છે. તેમણે 174 થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે 2,600 થી વધુ રન બનાવ્યા છે અને બોલિંગમાં પણ કમાલ કરતા 120 થી વધુ વિકેટ ઝડપી છે. તેમની આ ઓલરાઉન્ડ ક્ષમતાને કારણે જ KKR એ પોતાની આધુનિક ઓળખ રસેલના પ્રદર્શનની આસપાસ ઘડી હતી. વેંકી મૈસૂરે જણાવ્યું હતું કે, “રસેલ હંમેશા ગર્વ સાથે 12 નંબરની જર્સી પહેરતા હતા અને આ નંબર હવે ‘ડ્રે રસ’ ની ઓળખ બની ગયો છે, તેથી અમે તેને હંમેશા માટે સુરક્ષિત કરી દીધો છે.”

- Advertisement -

kkr1.jpg

સન્માન જોઈને રસેલ થયા ભાવુક

આ કાર્યક્રમ દરમિયાન જ્યારે રસેલની સફરનો વીડિયો બતાવવામાં આવ્યો ત્યારે વેસ્ટ ઈન્ડિઝનો આ દિગ્ગજ ખેલાડી ભાવુક થઈ ગયો હતો. રસેલે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, “આ ફ્રેન્ચાઈઝી સાથે મેં એક દાયકા કરતા વધુ સમય વિતાવ્યો છે. વીડિયો જોતી વખતે જૂની યાદો તાજી થઈ ગઈ. KKR સાથે બે વાર ચેમ્પિયન બનવું એ અદભૂત અહેસાસ છે. વર્લ્ડ કપ જીતવો ખાસ હોય છે, પરંતુ IPL જીતવાની મજા કંઈક અલગ જ હોય છે. આ સફરને આટલી ખાસ બનાવવા બદલ હું ફ્રેન્ચાઈઝીનો આભારી છું.”

- Advertisement -
TAGGED:
Share This Article