ખાડી દેશોમાં યુદ્ધના ભણકારા: શું ઈરાન UAE અને બહેરીન પર કબજો કરી શકે? જાણો શું છે હકીકત
અમેરિકા દ્વારા મધ્ય પૂર્વમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરવાની યોજના અને મરીન સૈનિકોની તૈનાતી બાદ ઈરાન આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે. ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા વિશ્લેષક મોર્તેઝા સિમિયારીએ સરકારી બ્રોડકાસ્ટર IRIB ને આપેલા ઇન્ટરવ્યુમાં ચોંકાવનારી ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે જો અમેરિકા આ ક્ષેત્રમાં કોઈ પણ ભૂલ કરશે, તો ઈરાની સેના UAE (યુએઈ) અને બહેરીન ના દરિયાકાંઠા પર કબજો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
ક્ષેત્રીય સંતુલન બદલવાની ચેતવણી
સિમિયારીએ વધુમાં ઉમેર્યું કે ઈરાનની સશસ્ત્ર દળો અમીરાતી અને બહેરીની તટો પર એન્ટ્રી કરવા માટે તૈયાર છે અને આ તેમના એજન્ડામાં સામેલ છે. જો આમ થશે તો આખા મધ્ય પૂર્વનું ભૌગોલિક અને વ્યૂહાત્મક ચિત્ર બદલાઈ શકે છે. આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે તાજેતરમાં જ UAE ના વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન ઝાયેદે ઈરાની હુમલાઓની નિંદા કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે તેમનો દેશ આતંકવાદીઓ સામે ક્યારેય ઝૂકશે નહીં.
અમેરિકા અને આરબ દેશોની વધતી નિકટતા
ઈરાનના વધતા ખતરાને જોતા આરબ ખાડી દેશો હવે વોશિંગ્ટન સાથે તેમની સુરક્ષા ભાગીદારી મજબૂત કરી રહ્યા છે. અગાઉ સાઉદી અરેબિયા અને UAE ઈરાન પર હુમલો કરવાના પક્ષમાં નહોતા, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. અહેવાલો મુજબ, સાઉદી અરેબિયાએ પશ્ચિમ સાઉદી અરેબિયાના તાઈફમાં આવેલ ‘કિંગ ફહદ એર બેઝ’ અમેરિકી દળો માટે ખોલવાની દિશામાં કદમ ઉઠાવ્યા છે.
હુમલાઓ અને સંરક્ષણની સ્થિતિ
28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા સંઘર્ષ બાદ ઈરાને અમેરિકી સૈન્ય મથકો અને તેલ-ગેસના માળખાકીય સુવિધાઓને નિશાન બનાવી છે. આ યુદ્ધ દરમિયાન એકલા UAE એ જ અત્યાર સુધીમાં 338 બેલિસ્ટિક મિસાઇલો અને 1740 ડ્રોન ને હવામાં જ તોડી પાડીને નિષ્ફળ બનાવ્યા છે. ઈરાનનો દાવો છે કે આ હુમલાઓ અમેરિકા અને ઈઝરાયેલની કાર્યવાહીનો જવાબ છે.
વર્તમાન પરિસ્થિતિ જોતા મધ્ય પૂર્વમાં ગમે ત્યારે મોટું સૈન્ય સંઘર્ષ ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે.

