ઈરાન-અમેરિકા યુદ્ધમાં રશિયાની ચાંદી: દરરોજ થઈ રહી છે 71 અબજ રૂપિયાની કમાણી
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે મધ્ય પૂર્વ, યુરોપ અને દક્ષિણ એશિયાના દેશોની ચિંતામાં વધારો કર્યો છે, પરંતુ બીજી તરફ આ જંગ રશિયા માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. તેલના વેચાણ દ્વારા રશિયાની તિજોરીમાં દરરોજ અંદાજે 71 અબજ રૂપિયા (760 મિલિયન ડોલર) ઠલવાઈ રહ્યા છે. અમેરિકી પ્રતિબંધો હળવા થયા બાદ અને વૈશ્વિક બજારમાં તેલની અછતનો લાભ ઉઠાવી રશિયા છેલ્લા ત્રણ વર્ષમાં રેકોર્ડબ્રેક કમાણી કરી રહ્યું છે. બ્રિટિશ અખબાર ‘ધ ટેલિગ્રાફ’ના અહેવાલ મુજબ, માત્ર માર્ચ મહિનામાં જ રશિયા 24 અબજ ડોલરનું તેલ વેચવાની તૈયારીમાં છે.
રશિયાની કમાણીમાં ઉછાળો આવવાના મુખ્ય કારણો
રશિયાની આ અચાનક વધેલી કમાણી પાછળ કેટલાક ભૌગોલિક અને રાજકીય કારણો જવાબદાર છે:
હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ: ઈરાન સાથેના યુદ્ધને કારણે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) લગભગ બંધ જેવી સ્થિતિમાં છે. ખાડી દેશોમાંથી થતો તેલનો પુરવઠો ખોરવાતા વિશ્વના દેશો હવે રશિયા તરફ વળ્યા છે. ખુદ અમેરિકાએ પણ અન્ય દેશોને રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટ આપી દીધી છે.
તેલના ભાવમાં વધારો: અગાઉ રશિયા ડિસ્કાઉન્ટ ભાવે તેલ વેચતું હતું, પરંતુ હવે તે સામાન્ય કિંમતે વેચાણ કરી રહ્યું છે. કિવ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, રશિયન તેલ અત્યારે 100 ડોલર પ્રતિ બેરલના ભાવે વેચાઈ રહ્યું છે, જેના કારણે રશિયાના નફામાં મોટો ઉછાળો આવ્યો છે.
ભારત અને ચીનની વધતી માંગ: ભારત અને ચીન જેવા દેશોએ રશિયા પાસેથી તેલની આયાતમાં ધરખમ વધારો કર્યો છે. આંકડા દર્શાવે છે કે ભારતે ફેબ્રુઆરી 2026ની સરખામણીએ માર્ચ 2026માં રશિયા પાસેથી 72% વધુ તેલ ખરીદવાનો નિર્ણય લીધો છે.
રશિયા દ્વારા ઈરાનને છૂપી મદદના આરોપો
એક રિપોર્ટ અનુસાર, રશિયા આ યુદ્ધમાં ઈરાનને પરોક્ષ રીતે મદદ કરી રહ્યું છે. પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓનો દાવો છે કે રશિયા તેના સેટેલાઇટ દ્વારા ઇઝરાયેલ અને અમેરિકી સૈન્ય મથકોની ગુપ્ત માહિતી ઈરાનને પૂરી પાડે છે. આ માહિતીના આધારે જ ઈરાન ચોકસાઈપૂર્વક મિસાઈલ હુમલા કરી રહ્યું હોવાનું મનાય છે. આ ઉપરાંત, રશિયા ઈરાનને ખાદ્ય સામગ્રી, ડ્રોન અને અત્યાધુનિક હથિયારો પણ મોકલી રહ્યું છે.
જોકે, રશિયાએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. રશિયન સરકારનું કહેવું છે કે તેમણે યુદ્ધના મેદાનમાં માત્ર જરૂરી દવાઓ અને માનવીય સહાય જ ઈરાનને મોકલી છે. આ યુદ્ધે વૈશ્વિક અર્થતંત્રના સમીકરણો બદલી નાખ્યા છે, જેમાં રશિયા એક મજબૂત આર્થિક ખેલાડી તરીકે ઉભરી આવ્યું છે.

