શું તમને પણ સતત થાક લાગે છે? જાણો ક્યારે આ હોઈ શકે છે ગંભીર બીમારીનો સંકેત
રોજિંદા જીવનની ભાગદોડમાં ક્યારેક થાક અનુભવવો એ સામાન્ય બાબત છે. સામાન્ય રીતે આરામ કરવાથી કે સારી ઊંઘ લેવાથી આ થાક ઉતરી જતો હોય છે. પરંતુ, જો તમને પૂરતો આરામ કર્યા પછી પણ સતત થાક લાગતો રહેતો હોય, તો તેને હળવાશથી ન લેવો જોઈએ. નિષ્ણાતોના મતે, લાંબા સમય સુધી જળવાઈ રહેતો થાક શરીરમાં છુપાયેલી કોઈ ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે.
પોષક તત્વોની ઉણપ અને થાકનો સંબંધ
તબીબી નિષ્ણાતો જણાવે છે કે શરીરમાં વિટામિન અને આયર્નની ઉણપ થાકનું મુખ્ય કારણ હોઈ શકે છે. આપણા શરીરને ઉર્જા બનાવવા માટે વિટામિન B અને Dની ખાસ જરૂર પડે છે. આ ઉપરાંત, જો શરીરમાં આયર્ન ઓછું હોય, તો લોહીની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટી જાય છે. પરિણામે, વ્યક્તિ ખૂબ જ જલ્દી થાકી જાય છે અને તેને આખો દિવસ નબળાઈ અનુભવાય છે.
થાઈરોઈડ અને ડાયાબિટીસ જેવા કારણો
માત્ર પોષણ જ નહીં, પણ હોર્મોન્સમાં ફેરફાર પણ થાક માટે જવાબદાર હોય છે. જો શરીરમાં થાઈરોઈડ હોર્મોનનું સ્તર ઘટી જાય, તો મેટાબોલિઝમ ધીમું પડી જાય છે, જેના કારણે વ્યક્તિ સતત સુસ્તી અનુભવે છે. તેવી જ રીતે, ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર વધી જવાથી અચાનક નબળાઈ અને થાક લાગવો એ સામાન્ય લક્ષણ છે. જો તમને આરામ પછી પણ સ્ફૂર્તિ ન અનુભવાય, તો ડાયાબિટીસ કે થાઈરોઈડની તપાસ કરાવવી હિતાવહ છે.
થાક દૂર કરવા માટેના ઘરેલું ઉપાયો
જો તમને સામાન્ય થાક લાગતો હોય, તો જીવનશૈલીમાં થોડા ફેરફાર કરીને તેને દૂર કરી શકાય છે. પૌષ્ટિક આહાર લો જેમાં આયર્ન અને વિટામિન્સ ભરપૂર હોય. દિવસ દરમિયાન ઓછામાં ઓછું 7-8 ગ્લાસ પાણી પીવો અને લાંબો સમય ભૂખ્યા ન રહો. રાત્રે 6 થી 7 કલાકની ગાઢ ઊંઘ લેવી અનિવાર્ય છે. સૂતા પહેલા ચા કે કોફી પીવાનું ટાળો અને ફાસ્ટ ફૂડને બદલે લીલા શાકભાજી પર ભાર મૂકો. રોજિંદું યોગ અને પ્રાણાયામ પણ શરીરને ઊર્જાવાન રાખવામાં મદદ કરે છે.
ક્યારે ડૉક્ટરની સલાહ લેવી?
જો ઉપરોક્ત ફેરફારો કર્યા પછી પણ 2-3 અઠવાડિયા સુધી થાક ચાલુ રહે, તો તબીબી સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જો થાકની સાથે નીચેના લક્ષણો દેખાય તો તેને બિલકુલ અવગણશો નહીં:
- કારણ વગર વજન ઘટવું.
- સતત ઝીણો તાવ રહેવો.
- થોડું ચાલતા જ શ્વાસ ફૂલવો.
- હૃદયના ધબકારા અનિયમિત થવા.

