ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા યુદ્ધ: ભારત માટે મોટા રાહતના સમાચાર! ત્રણ અઠવાડિયાથી ફસાયેલા LPG ટેન્કરે ચાલાકીથી હોર્મુઝ પાર કર્યું
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલાને એક મહિનો વીતી ગયો હોવા છતાં યુદ્ધના વાદળો હજુ પણ ઘેરાયેલા છે. આ વૈશ્વિક તણાવને કારણે દરિયાઈ માર્ગો પર માલવાહક જહાજોની અવરજવર ખોરવાઈ ગઈ છે. ખાસ કરીને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં વિશ્વભરના સેંકડો જહાજો ફસાયેલા છે, ત્યારે ભારત માટે એક અત્યંત રાહતજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય ધ્વજ ધરાવતા અને રાંધણ ગેસ (LPG) થી ભરેલા એક જહાજે યુદ્ધના મેદાન સમાન હોર્મુઝનો માર્ગ સફળતાપૂર્વક પાર કરી લીધો છે.
ત્રણ અઠવાડિયાનો ભયાનક ઈંતેજાર
‘પાઈન ગેસ’ નામનું આ એલપીજી ટેન્કર યુએઈના રુવૈસ પોર્ટથી ભારત આવવા રવાના થયું હતું. સામાન્ય સંજોગોમાં આ સફર એક અઠવાડિયામાં પૂરી થઈ જતી હોય છે, પરંતુ 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થતા જ આ જહાજ હોર્મુઝની વચ્ચે ફસાઈ ગયું હતું. જહાજ પર સવાર 27 ક્રૂ મેમ્બર્સ માટે આ ત્રણ અઠવાડિયા કોઈ દુઃસ્વપ્નથી ઓછા નહોતા. ચીફ ઓફિસર સોહન લાલના જણાવ્યા અનુસાર, તેઓ દરરોજ પોતાની આંખ સામે આકાશમાં મિસાઈલો અને ડ્રોન ઉડતા જોતા હતા. મોતનો ખૌફ એટલો હતો કે 11 માર્ચની આસપાસ રવાના થવાની તૈયારી હોવા છતાં, યુદ્ધની તીવ્રતા વધતા તેમને 23 માર્ચ સુધી ત્યાં જ થોભી જવાની ફરજ પડી હતી.
ભારતીય સેનાની ચાલાકી અને નવો માર્ગ
આ જહાજને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારતીય સત્તાવાળાઓએ અત્યંત વ્યૂહાત્મક નિર્ણય લીધો હતો. હોર્મુઝનો મુખ્ય માર્ગ હાલમાં દરિયાઈ સુરંગો (Sea Mines) થી ભરેલો હોવાની આશંકા હતી, તેથી ભારતીય સેનાએ જહાજને ‘લારક માર્ગ’ પરથી પસાર થવાનું સૂચન કર્યું હતું. ઈરાની સેનાએ પણ ખાસ પરવાનગી આપીને ટેન્કરને લારક ટાપુના ઉત્તરમાં આવેલા એક સાંકડા ચેનલમાંથી પસાર થવા દીધું હતું. આ માર્ગ જોખમી હતો, પરંતુ મુખ્ય યુદ્ધ ક્ષેત્રથી થોડો અલગ હતો.
ભારતીય નૌસેનાનું અભેદ્ય સુરક્ષા કવચ
જ્યારે જહાજે મુસાફરી શરૂ કરી, ત્યારે ભારતીય નૌસેના (Indian Navy) તેની પડખે ઊભી રહી હતી. ઓમાનની ખાડીથી લઈને અરબ સાગર સુધીની અંદાજે 20 કલાકની જોખમી મુસાફરી દરમિયાન નૌસેનાએ સતત જહાજને ગાઈડ કર્યું અને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. ભારતીય અધિકારીઓ અને જહાજ માલિકોના સતત સંપર્ક અને સચોટ માર્ગદર્શનને કારણે આ મિશન સફળ રહ્યું.
આ સફળતા માત્ર એક જહાજની વાપસી નથી, પરંતુ ભારતની મજબૂત ડિપ્લોમસી અને નૌસેનાની તાકાતનું પ્રતીક છે. એવા સમયે જ્યારે મોટા દેશોના જહાજો હજુ પણ ત્યાં ફસાયેલા છે, ત્યારે ભારત પોતાના નાગરિકો અને સંસાધનોને સુરક્ષિત લાવવામાં સફળ રહ્યું છે. આનાથી ભારતમાં એલપીજીના પુરવઠામાં જે સંકટ ઊભું થવાની ભીતિ હતી, તેમાં પણ મોટી રાહત મળશે.

