કોણ છે ડો. અશોક મિત્તલ? જે રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાનું સ્થાન લેશે; મીઠાઈની દુકાનથી સંસદ સુધીની પ્રેરણાદાયી સફર
રાજકારણમાં અવારનવાર મોટા અને જૂના નામોની ચર્ચા થતી હોય છે, પરંતુ ક્યારેક એવા વ્યક્તિ પણ સામે આવે છે જેમની જીવનકથા કોઈ ફિલ્મ જેવી રોમાંચક અને પ્રેરણાદાયી હોય. ડો. અશોક મિત્તલ એક એવી જ વ્યક્તિ છે. આમ આદમી પાર્ટીએ (AAP) રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવીને આ મહત્વની જવાબદારી પંજાબના રાજ્યસભા સાંસદ ડો. અશોક મિત્તલને સોંપી છે. પક્ષે આ ફેરફાર અંગે રાજ્યસભા સચિવાલયને સત્તાવાર પત્ર લખીને જાણ પણ કરી દીધી છે.
સાધારણ પરિવાર અને શિક્ષણ ક્ષેત્રે ઓળખ
ડો. અશોક મિત્તલનો જન્મ પંજાબના જલંધરમાં એક અત્યંત સામાન્ય પરિવારમાં થયો હતો. તેમના પિતાએ ‘લવલી સ્વીટ્સ’ નામે મીઠાઈનો એક નાનકડો વ્યવસાય શરૂ કર્યો હતો. અશોક મિત્તલે પોતાના ભાઈઓ સાથે મળીને આ પારિવારિક વ્યવસાયમાં હાથ વટાવ્યો હતો, પરંતુ તેમનું સપનું કંઈક મોટું કરવાનું હતું. અભ્યાસમાં રુચિ ધરાવતા મિત્તલે ગુરુ નાનક દેવ યુનિવર્સિટીમાંથી કાયદાનો (Law) અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે શિક્ષણ ક્ષેત્રે ઝંપલાવ્યું અને વર્ષ 2005માં ‘લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી’ (LPU) ની સ્થાપના કરી, જે આજે દેશની સૌથી મોટી ખાનગી યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવે છે.
મીઠાઈની દુકાનથી રાજનીતિ સુધીની સફર
એક નાનકડી મીઠાઈની દુકાનથી શરૂ થયેલી તેમની સફર આજે દેશની સર્વોચ્ચ સંસ્થા એટલે કે સંસદ સુધી પહોંચી છે. ડો. મિત્તલે માત્ર બિઝનેસ જ નથી કર્યો, પરંતુ હજારો યુવાનોને શિક્ષણ અને રોજગારી પૂરી પાડીને સમાજમાં મોટું યોગદાન આપ્યું છે. આજે તેમની યુનિવર્સિટીમાં દેશ-વિદેશના હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમની આ શૈક્ષણિક સિદ્ધિઓ અને સમાજ પ્રત્યેના અભિગમને જોતા આમ આદમી પાર્ટીએ તેમને રાજકારણમાં સ્થાન આપ્યું.
રાજકીય કારકિર્દી અને નવી જવાબદારી
ડો. અશોક મિત્તલ વર્ષ 2022માં પંજાબથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. સંસદમાં તેઓ હંમેશા એક શાંત, વ્યવહારુ અને વિકાસલક્ષી નેતા તરીકે ઓળખાયા છે. તેમનો મુખ્ય ભાર હંમેશા શિક્ષણ, રોજગાર અને યુવા વિકાસ પર રહ્યો છે. રાઘવ ચઢ્ઢા જેવા આક્રમક નેતાના સ્થાને હવે પક્ષે એક અનુભવી શિક્ષણવિદ પર ભરોસો મૂક્યો છે. હવેથી તેઓ રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના ઉપ-નેતા તરીકે પક્ષનું પ્રતિનિધિત્વ કરશે.

