ઈરાન વિરુદ્ધ અપશબ્દો બોલીને મુશ્કેલીમાં ફસાયા ટ્રમ્પ: શું 25મો સુધારો છીનવી લેશે રાષ્ટ્રપતિની ખુરશી?
અમેરિકાના રાજકારણમાં હાલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની આક્રમક શૈલી અને નિવેદનો માટે જાણીતા છે, પરંતુ આ વખતે ઈરાન વિરુદ્ધ કરવામાં આવેલી તેમની એક ટિપ્પણી તેમના માટે ગળાનું હાડકું બની ગઈ હોય તેવું લાગે છે. ઈરાન વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકી સંસદના સભ્યોએ મોરચો ખોલ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે વિરોધ પક્ષના સાંસદો હવે તેમને પદ પરથી હટાવવા માટે ’25મા સુધારા’ (25th Amendment) ને લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. જો આ માંગ સ્વીકારવામાં આવે છે, તો ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ છોડવું પડી શકે છે અને જેડી વેન્સ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બની શકે છે.
વિવાદનું મુખ્ય કારણ: ટ્રમ્પની વિવાદાસ્પદ પોસ્ટ
આ સમગ્ર વિવાદની શરૂઆત રવિવારે (4 એપ્રિલ) થઈ હતી, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાન વિરુદ્ધ અત્યંત વાંધાજનક અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ પોસ્ટ પછી તરત જ અમેરિકાના રાજકીય વર્તુળોમાં હોબાળો મચી ગયો હતો. વિપક્ષી સાંસદોનો આરોપ છે કે રાષ્ટ્રપતિ તરીકે આવા શબ્દોનો પ્રયોગ કરવો એ માત્ર મર્યાદાનું ઉલ્લંઘન નથી, પરંતુ તે દેશની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સંબંધો માટે પણ જોખમી છે.
ઘણા સાંસદોનું માનવું છે કે ટ્રમ્પ હવે માનસિક રીતે આ મહત્વપૂર્ણ પદ સંભાળવા માટે સક્ષમ નથી. આ નિવેદન બાદ ટ્રમ્પે અચાનક ત્રણ દિવસની રજા લઈ લીધી છે, જેણે આ શંકાઓને વધુ બળ આપ્યું છે.
સાંસદોની આક્રમક માંગ
અત્યાર સુધીમાં ઓછામાં ઓછા પાંચ પ્રભાવશાળી અમેરિકી સાંસદોએ ટ્રમ્પ વિરુદ્ધ 25મો સુધારો લાગુ કરવાની માંગ કરી છે.
- બેક્કા બાલિન્ટ: સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ બેક્કા બાલિન્ટે પ્રશ્ન ઉઠાવ્યો કે જો ઓબામા કે બાઈડને આવું કહ્યું હોત તો રિપબ્લિકન પાર્ટી શું કરતી? તેમણે સ્પષ્ટપણે ટ્રમ્પને પદ પરથી હટાવવાની તરફેણ કરી છે.
- ક્રિસ મર્ફી: સીનેટર ક્રિસ મર્ફીનું નિવેદન વધુ કડક હતું. તેમણે કહ્યું કે જો તેઓ ટ્રમ્પની કેબિનેટનો ભાગ હોત, તો અત્યાર સુધીમાં વકીલો સાથે વાત કરીને 25મો સુધારો લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હોત. તેમણે ટ્રમ્પના વલણને જોખમી ગણાવ્યું હતું.
- યાસ્મિન અંસારી: કોંગ્રેસના સભ્ય યાસ્મિન અંસારીએ ટ્રમ્પને ‘પાગલ’ ગણાવ્યા છે અને કહ્યું છે કે આખી દુનિયા ટ્રમ્પના કારણે જોખમમાં છે, તેથી તેમને હટાવવાનો આ જ યોગ્ય સમય છે.
શું છે અમેરિકાનો ’25મો સુધારો’?
અમેરિકી બંધારણનો 25મો સુધારો રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા અથવા તેમના અનુગામી નક્કી કરવા માટેની પ્રક્રિયા પૂરી પાડે છે. આ સુધારો 1967માં અપનાવવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે જો રાષ્ટ્રપતિ કોઈ કારણસર તેમની ફરજો બજાવવામાં અસમર્થ હોય, તો દેશનું નેતૃત્વ ખાલી ન રહે.
આ સુધારાની કલમ-4 સૌથી મહત્વની છે. તે જણાવે છે કે જો ઉપરાષ્ટ્રપતિ અને કેબિનેટના બહુમતી સભ્યો લેખિતમાં જણાવે કે રાષ્ટ્રપતિ તેમના પદની ફરજો અને સત્તાઓ નિભાવવામાં અસમર્થ છે, તો ઉપરાષ્ટ્રપતિ તાત્કાલિક ‘કાર્યકારી રાષ્ટ્રપતિ’ તરીકે ચાર્જ સંભાળી શકે છે.
રાષ્ટ્રપતિને હટાવવાની પ્રક્રિયા
ટ્રમ્પને આ કાયદા હેઠળ હટાવવા એટલા સરળ નથી. તેની પ્રક્રિયા નીચે મુજબ છે:
- કેબિનેટની સંમતિ: સૌથી પહેલા ઉપરાષ્ટ્રપતિ અને કેબિનેટના મોટાભાગના સભ્યોએ સંયુક્ત નિવેદન આપવું પડે કે રાષ્ટ્રપતિ અસમર્થ છે.
- રાષ્ટ્રપતિનો બચાવ: જો રાષ્ટ્રપતિ પોતે દાવો કરે કે તેઓ સક્ષમ છે, તો મામલો સંસદ (કોંગ્રેસ)માં જાય છે.
- બે તૃતીયાંશ બહુમતી: સંસદના બંને ગૃહો (સીનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ) માં આ પ્રસ્તાવ પર મતદાન થાય છે. જો બે તૃતીયાંશ સભ્યો રાષ્ટ્રપતિને હટાવવાની તરફેણમાં મતદાન કરે, તો જ રાષ્ટ્રપતિએ ખુરશી છોડવી પડે છે.
શું જેડી વેન્સ બનશે રાષ્ટ્રપતિ?
જો 25મો સુધારો સફળતાપૂર્વક લાગુ કરવામાં આવે છે, તો નિયમ મુજબ વર્તમાન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ બાકીના કાર્યકાળ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે. જોકે, આ માટે ટ્રમ્પની પોતાની કેબિનેટના સભ્યોએ તેમની વિરુદ્ધ જવું પડશે, જે રાજકીય રીતે ખૂબ મુશ્કેલ જણાય છે, કારણ કે કેબિનેટમાં મોટાભાગના સભ્યો ટ્રમ્પના વફાદાર માનવામાં આવે છે.

