ભારતમાં 40% થી વધુ મહિલાઓ કેમ ઝઝૂમી રહી છે લોહીની ઉણપથી? જાણો તેના કારણો અને રામબાણ ઉપાયો
સામાન્ય રીતે મહિલાઓને હંમેશા થાક કે નબળાઈ અનુભવાતી હોય છે, જેને તેઓ કામના બોજ તરીકે ગણીને અવગણે છે. પરંતુ, વાસ્તવમાં આ લોહીની ઉણપના સંકેત હોઈ શકે છે. જ્યારે શરીરમાં લોહીનું સ્તર અચાનક ઘટવા લાગે છે, ત્યારે તેની સીધી અસર રોગપ્રતિકારક શક્તિ અને રોજિંદા કાર્યો પર પડે છે.
શું છે એનિમિયા અને શરીરમાં તેની ભૂમિકા?
તબીબી ભાષામાં લોહીની ઉણપને ‘એનિમિયા’ કહેવામાં આવે છે. આપણા લોહીમાં હિમોગ્લોબિન નામનું એક પ્રોટીન હોય છે, જે લાલ રક્તકણો (Red Blood Cells) બનાવવામાં મદદ કરે છે. આ હિમોગ્લોબિનનું મુખ્ય કામ શરીરના દરેક અંગ સુધી ઓક્સિજન પહોંચાડવાનું છે. જ્યારે શરીરમાં આયર્ન (લોખંડ) ની ઉણપ થાય છે, ત્યારે હિમોગ્લોબિન બનતું અટકે છે અને અંગોને પૂરતો ઓક્સિજન મળતો નથી, જેને આપણે એનિમિયા કહીએ છીએ.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના મતે, એનિમિયા એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા છે. સ્ત્રીઓમાં આ સમસ્યા વધુ જોવા મળવા પાછળના કેટલાક ચોક્કસ કારણો છે:
- માસિક ધર્મ (Periods): પિરિયડ્સ દરમિયાન વધુ પડતું બ્લીડિંગ થવું એ સ્ત્રીઓમાં લોહીની ઉણપનું સૌથી મોટું કારણ છે.
- ગર્ભાવસ્થા (Pregnancy): ગર્ભવતી મહિલાના શરીરમાં લોહીની જરૂરિયાત વધી જાય છે. જો પૂરતો પોષણક્ષમ આહાર ન મળે, તો માતા અને બાળક બંનેમાં એનિમિયાનું જોખમ રહે છે.
- પોષણનો અભાવ: ભારતીય પરિવારોમાં ઘણીવાર મહિલાઓ પોતાના ખોરાક પ્રત્યે બેદરકાર હોય છે. આયર્ન અને વિટામિન B12 યુક્ત ખોરાકની કમી આ સમસ્યાને વધારે છે.
- ખોટી આદતો: વધુ પડતી ચા-કોફી (કેફીન), સિગારેટ કે દારૂનું સેવન કરવાથી શરીર ખોરાકમાંથી આયર્નને શોષી શકતું નથી.
રિસર્ચમાં થયેલા ચોંકાવનારા ખુલાસા
તાજેતરના અહેવાલો મુજબ, માત્ર મહિલાઓ જ નહીં પણ 6 મહિનાથી 5 વર્ષના 40% બાળકો પણ લોહીની ઉણપનો શિકાર છે. આ ઉપરાંત, 15 થી 49 વર્ષની વયની લગભગ 30% મહિલાઓ અને 37% ગર્ભવતી સ્ત્રીઓ એનિમિયાથી પીડાય છે. આ આંકડાઓ દર્શાવે છે કે આ સમસ્યા કેટલી ઊંડી ઉતરી ગઈ છે.
એનિમિયાના લક્ષણો ઓળખો
જો તમને નીચે મુજબના લક્ષણો દેખાય, તો તેને અવગણશો નહીં:
- સખત થાક અને નબળાઈ અનુભવવી.
- ત્વચાનો રંગ ફીક્કો કે પીળો પડી જવો.
- હાથ અને પગ ઠંડા રહેવા.
- શ્વાસ લેવામાં તકલીફ પડવી.
- વારંવાર ચક્કર આવવા અથવા માથાનો દુખાવો થવો.
- હૃદયના ધબકારા અનિયમિત થવા.
- હાડકાં, સાંધા કે છાતીમાં દુખાવો થવો.
કેવી રીતે મળશે આ સમસ્યાથી રાહત?
લોહીની ઉણપને દૂર કરવા માટે દવાઓ કરતા ડાયેટ (ખોરાક) પર ધ્યાન આપવું વધુ અસરકારક છે.
- આયર્નયુક્ત આહાર: પાલક, બીટ, સફરજન, દાડમ, તરબૂચ અને ખજૂરને રોજિંદા ખોરાકમાં સામેલ કરો. માંસાહારી લોકો ચિકન કે ઈંડા લઈ શકે છે.
- વિટામિન C નું સેવન: શરીરમાં આયર્ન શોષાય તે માટે વિટામિન C જરૂરી છે. આ માટે સંતરા, લીંબુ, આમળા અને શિમલા મરચાં ખાવા જોઈએ.
- ડોક્ટરની સલાહ: જો હિમોગ્લોબિન ખૂબ ઓછું હોય, તો ડોક્ટરની સલાહ મુજબ આયર્ન ટેબ્લેટ્સ અથવા સિરપ લેવા જોઈએ.

