હોર્મુઝ સંકટ યથાવત: તેલના ભાવમાં ફરી ભડકો, ક્રૂડ $97 ને પાર; શું યુદ્ધવિરામ માત્ર કાગળ પર રહેશે?
વૈશ્વિક તેલ બજારમાં અત્યારે ભારે અસ્થિરતાનો માહોલ છે. વર્ષ 2020 પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો જોયા બાદ, ગુરુવારે તેલના ભાવમાં ફરી તેજી આવી છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $97 પર પહોંચી ગયું છે, જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) પણ $98 ની નજીક છે. આ તેજી પાછળનું મુખ્ય કારણ હોર્મુઝના માર્ગ પર સર્જાયેલી અનિશ્ચિતતા અને લેબનોન પર ઈઝરાયેલના હુમલા છે.
હોર્મુઝ માર્ગ ખુલ્લો કે બંધ? વિરોધાભાસી દાવા
ઈરાનની સમાચાર સંસ્થા ફાર્સના અહેવાલ મુજબ, ઈઝરાયેલના હુમલા બાદ હોર્મુઝના માર્ગે ઓઈલ ટેન્કરોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. જોકે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે આ દાવાને નકારી કાઢતા કહ્યું કે, “અમને એવા સંકેતો મળી રહ્યા છે કે આ માર્ગ ધીમે-ધીમે ફરી ખુલી રહ્યો છે.”
નોંધનીય છે કે દુનિયાના કુલ ક્રૂડ ઓઈલ અને ગેસના પુરવઠાનો પાંચમો ભાગ આ માર્ગ પરથી પસાર થાય છે. ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા સંઘર્ષ બાદ આ માર્ગ બંધ થવાથી ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઓઈલ માર્કેટ ડિસ્ટ્રપ્શન (પુરવઠામાં અવરોધ) સર્જાયું છે.
યુદ્ધવિરામમાં ભંગાણના સંકેત?
મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે થયેલા યુદ્ધવિરામનો કરાર અત્યારે જોખમમાં હોય તેવું લાગે છે. ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ-બઘેર ઘાલીબાફે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, અત્યાર સુધીમાં યુદ્ધવિરામ પ્રસ્તાવની ત્રણ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
લેબનોનમાં ચાલી રહેલી લડાઈ અને અખાતી દેશો પર ઈરાનના પ્રહારોએ સ્થિતિ વધુ વણસાવી છે. તેહરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે લેબનોનનો આ યુદ્ધવિરામમાં સમાવેશ થાય છે કે નહીં, તે બાબતે પણ ભારે મતભેદ પ્રવર્તી રહ્યા છે.
દરિયામાં સુરક્ષિત માર્ગની શોધ
દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈરાનના પોર્ટ્સ એન્ડ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશને હોર્મુઝમાં આવવા-જવા માટે બે સુરક્ષિત રૂટ જાહેર કર્યા છે.અહેવાલ મુજબ, સમુદ્રમાં બિછાવેલી એન્ટી-શિપ માઈન્સ (દરિયાઈ સુરંગો) થી બચવા માટે આ નવા માર્ગો તૈયાર કરવામાં આવ્યા છે જેથી જહાજોની અવરજવર જોખમ વગર થઈ શકે.
કિંમતો હજુ પણ ઉંચી રહેવાની શક્યતા
બજારના નિષ્ણાતો માને છે કે જો હોર્મુઝનો માર્ગ સંપૂર્ણપણે ખુલી જાય તો પણ તેલના ભાવ જલ્દી નીચે નહીં આવે. તેલ ક્ષેત્રના વિશ્લેષક કાર્લ લેરીના જણાવ્યા મુજબ, “જ્યાં સુધી હકીકત સામે ન આવે ત્યાં સુધી $90 એ તેલની કિંમતનું તળિયું છે.” અનેક રિફાઈનરીઓ અને ગેસ ફિલ્ડ્સ બંધ છે અથવા તેમની ક્ષમતા ઓછી છે, જેને સામાન્ય થતા હજુ અઠવાડિયાઓ લાગી શકે છે.
આ સંકટને ઉકેલવા માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ શનિવારે સવારે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ઈરાન સાથે સીધી વાતચીત કરવા માટે એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ બેઠક પર આખી દુનિયાની નજર છે, કારણ કે તેના પર જ વૈશ્વિક તેલના ભાવ અને શાંતિનો આધાર છે.

