આર્ટેમિસ II મિશન: ચંદ્રની ઐતિહાસિક સફર ખેડીને પૃથ્વી પર પરત ફરી રહેલા અવકાશયાત્રીઓ, પેસિફિક મહાસાગરમાં થશે લેન્ડિંગ
નાસા (NASA) ના મહત્વાકાંક્ષી ‘આર્ટેમિસ II’ મિશનનો અંતિમ તબક્કો શરૂ થઈ ગયો છે. ચંદ્રની ઐતિહાસિક પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ઓરિયન (Orion) સ્પેસક્રાફ્ટ હવે પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. માનવ સ્પેસફ્લાઇટના ઇતિહાસમાં અંતરનો નવો વિક્રમ સ્થાપ્યા બાદ, નાસાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે આ મિશનના અવકાશયાત્રીઓ હવે ‘અડધા રસ્તે’ પહોંચી ગયા છે.
કેલિફોર્નિયાના દરિયા કિનારે થશે ભવ્ય સ્વાગત
નાસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપી છે કે ઓરિયન સ્પેસક્રાફ્ટ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું મધ્યબિંદુ પાર કરી ચૂક્યું છે. શિડ્યુલ મુજબ, આ સ્પેસક્રાફ્ટ શુક્રવાર, ૧૦ એપ્રિલના રોજ રાત્રે અંદાજે ૮:૦૭ વાગ્યે (ET) સાન ડિએગો, કેલિફોર્નિયાના દરિયાકાંઠે પેસિફિક મહાસાગરમાં ‘સ્પ્લેશડાઉન’ (પાણીમાં ઉતરાણ) કરશે.
અવકાશયાત્રીઓ અને સ્પેસક્રાફ્ટને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે અમેરિકન નેવીનું જહાજ ‘USS જ્હોન પી. મુર્થા’ પહેલેથી જ તૈનાત કરી દેવામાં આવ્યું છે. આ સમગ્ર કામગીરી યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
તૂટ્યો વર્ષો જૂનો રેકોર્ડ
આર્ટેમિસ II મિશને અંતરની બાબતમાં નવો ઈતિહાસ રચ્યો છે. આ સફર દરમિયાન ઓરિયન સ્પેસક્રાફ્ટ પૃથ્વીથી અંદાજે ૨,૫૨,૭૫૬ માઈલ (૪,૦૬,૭૭૧ કિમી) દૂર સુધી ગયું હતું. આ સાથે જ ચંદ્રની પેલે પાર (Far side) સુધી પહોંચીને આ ટીમે માનવ અવકાશ સફરનો અત્યાર સુધીનો સૌથી લાંબા અંતરનો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ આ રેકોર્ડ પ્રખ્યાત ‘એપોલો ૧૩’ મિશનના નામે હતો, જે હવે આર્ટેમિસ II એ તોડી નાખ્યો છે.
મિશનની યાદગાર ક્ષણો
૫૦ વર્ષથી પણ વધુ સમય બાદ ચંદ્રની આસપાસની આ પ્રથમ માનવ સફર હતી. આ મિશનમાં ચાર સાહસિક અવકાશયાત્રીઓ સામેલ છે:
- નાસાના સભ્યો: રીડ વાઈઝમેન, વિક્ટર ગ્લોવર અને ક્રિસ્ટિના કોચ.
- કેનેડિયન સ્પેસ એજન્સી: જેરેમી હેન્સન.
સફર દરમિયાન આ અવકાશયાત્રીઓએ અંતરિક્ષમાંથી ‘સૂર્યગ્રહણ’ જોવાનો દુર્લભ લ્હાવો પણ લીધો હતો, જે આ મિશનની સૌથી સુંદર ક્ષણોમાંની એક ગણાય છે.
They’re halfway home.
The Artemis II astronauts have hit the “halfway” mark between the Moon and the Earth. They will splash down in the Pacific Ocean around 8:07 pm ET on Friday, April 10 (0007 UTC on Saturday, April 11), off the coast of San Diego. pic.twitter.com/CQmOuDTVGh
ભવિષ્યના મિશન માટેનો પાયો
આર્ટેમિસ II એ નાસાના આર્ટેમિસ પ્રોગ્રામ હેઠળની પ્રથમ માનવસહિત ટેસ્ટ ફ્લાઇટ છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પેસક્રાફ્ટની સિસ્ટમ્સ, ક્રૂ ઓપરેશન્સ અને સુરક્ષાના માપદંડોની ચકાસણી કરવાનો છે. આ સફળતા બાદ નાસા ફરી એકવાર ચંદ્રની સપાટી પર માનવીને ઉતારવા અને ત્યારબાદ મંગળ (Mars) સુધી પહોંચવાની દિશામાં આગળ વધશે.
સમગ્ર વિશ્વની નજર હવે ૧૦ એપ્રિલની રાત્રે થનારા સુરક્ષિત લેન્ડિંગ પર ટકેલી છે.
