ચૂંટણી ઈતિહાસમાં પહેલીવાર: બોમ્બે હાઈકોર્ટનો EVM તપાસનો ઐતિહાસિક આદેશ, મુંબઈની આ બેઠક પર થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
ભારતના ચૂંટણી ઈતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના બનવા જઈ રહી છે. બોમ્બે હાઈકોર્ટે મુંબઈની ચાંદીવલી વિધાનસભા બેઠક પર વપરાયેલા EVM અને VVPAT મશીનોની ટેકનિકલ તપાસનો આદેશ આપ્યો છે. કોઈ પણ ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ અદાલતના આદેશથી મશીનોની અંદરની મેમરી અને માઈક્રોકંટ્રોલરની તપાસ થતી હોય તેવો આ દેશનો પહેલો કિસ્સો છે.
શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2024ની વિધાનસભા ચૂંટણીમાં ચાંદીવલી બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર દિલીપ લાંડેનો વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા નસીમ ખાન બીજા ક્રમે રહ્યા હતા. પરિણામો બાદ નસીમ ખાને EVM મશીનોમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેમણે કોર્ટમાં અરજી કરીને મશીનોની ટેકનિકલ તપાસ (Diagnostic Check) કરવાની માંગ કરી હતી.
16 અને 17 એપ્રિલે થશે તપાસ
બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ સોમશેખર સુંદરશનના નિર્દેશ બાદ ચૂંટણી પંચે તપાસની તૈયારીઓ પૂર્ણ કરી છે.
- તારીખ અને સમય: 16 અને 17 એપ્રિલના રોજ સવારે 9:30 વાગ્યાથી તપાસ શરૂ થશે.
- સ્થળ: મુંબઈના બોરીવલી (ઈસ્ટ) ખાતે આવેલા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) ના વેરહાઉસમાં આ પ્રક્રિયા હાથ ધરાશે.
- કોણ કરશે તપાસ: બેંગલુરુની ‘ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ’ (BEL) ના એન્જિનિયરો મશીનોની માઈક્રોકંટ્રોલર ચિપ અને તેની મેમરીની તપાસ કરશે.
પારદર્શિતા માટે તમામ ઉમેદવારોને તેડું
ચૂંટણી અધિકારી અર્ચના કદમના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માટે અરજદાર નસીમ ખાન ઉપરાંત વિજેતા ઉમેદવાર દિલીપ લાંડે અને ચાંદીવલી બેઠક પરથી ચૂંટણી લડનારા તમામ 16 ઉમેદવારોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. નસીમ ખાને આ તપાસ માટે ચૂંટણી પંચમાં અંદાજે 9.44 લાખ રૂપિયાની ફી પણ જમા કરાવી છે. તેઓ કુલ મશીનોના 5 ટકા એટલે કે લગભગ 20 સેટની તપાસ કરાવશે.
નસીમ ખાનનું નિવેદન: “આ ઐતિહાસિક નિર્ણય છે”
કોંગ્રેસ નેતા નસીમ ખાને આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, “ભારતના ઇતિહાસમાં અગાઉ ક્યારેય ચૂંટણી બાદ ઉમેદવારોની હાજરીમાં આવી ટેકનિકલ તપાસ કરવામાં આવી નથી. જો કોઈ ઉમેદવારને શંકા હોય તો પંચે તેનું નિરાકરણ કરવું જોઈએ, જે અત્યાર સુધી કરવામાં આવતું નહોતું. હાઈકોર્ટનો આ આદેશ ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ વધારવા માટે માઈલસ્ટોન સાબિત થશે.”

