ચીનને ટ્રમ્પની ખુલ્લી ચેતવણી: ઈરાનને હથિયાર આપ્યા તો 50% ટેરિફ લાગશે!
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે હવે ચીન તરફ પોતાનું નિશાન સાધ્યું છે. ઇસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ, ટ્રમ્પે બેજિંગને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો તે ઈરાનને હથિયારોની સપ્લાય કરશે, તો ચીન પર 50% જેટલી મસમોટી ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત શુલ્ક) લાદવામાં આવશે. આ નિવેદન એવા અહેવાલો બાદ આવ્યું છે જેમાં દાવો કરાયો હતો કે ચીન ઈરાનને આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
ટ્રમ્પે શું કહ્યું?
એક ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે, “મને શંકા છે કે ચીન આવું કરશે… પરંતુ જો તેઓ આમ કરતા પકડાશે, તો તેમના પર 50% ટેરિફ લાગશે, જે એક ચોંકાવનારી રકમ હશે.”
માત્ર ધમકી જ નહીં, ટ્રમ્પે ચીનને ઈરાન પર તેલની નિર્ભરતા ઘટાડવા માટેના વિકલ્પો પણ આપ્યા છે. તેમણે કહ્યું કે ચીન પોતાના જહાજો તેલ લેવા માટે અમેરિકા અથવા વેનેઝુએલા મોકલી શકે છે. ટ્રમ્પનો દાવો છે કે અમેરિકા, ઈરાન કરતા પણ ઓછી કિંમતે તેલ વેચી શકે છે. નોંધનીય છે કે, વેનેઝુએલાના તેલ ભંડાર પર અત્યારે અમેરિકાનું નિયંત્રણ છે.
ટેરિફમાં કાયદાકીય અવરોધો
ટ્રમ્પ માટે આ વખતે ટેરિફ લાદવું એટલું સરળ નથી. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ભારત, ચીન, બ્રાઝિલ અને કેનેડા જેવા દેશો પર અગાઉ લગાવેલા ટેરિફને ગેરકાયદેસર ઠેરવ્યા છે. આથી, ટ્રમ્પ હવે કોંગ્રેસને બાયપાસ કરવા માટે નવા વ્યાપાર કાયદાઓનો સહારો લઈ રહ્યા છે, જેથી કરીને ટેરિફને એક ‘હથિયાર’ તરીકે વાપરી શકાય.
અગાઉ પણ ટ્રમ્પે ચીન પર 125% ટેરિફ લગાવ્યો હતો, જે વાતચીત બાદ ઘટાડીને 30% કરાયો હતો. હવે 50% ની નવી ચેતવણીએ ફરીથી તણાવ વધારી દીધો છે.
શી જિનપિંગ સાથેની બેઠક પર સૌની નજર
ચીનનું કહેવું છે કે તેણે જ ઈરાનને અમેરિકા સાથે અસ્થાયી યુદ્ધવિરામ (Ceasefire) માટે મનાવ્યું હતું. આવતા મહિને ડોનાલ્ડ ટ્રમ્પ બેજિંગના પ્રવાસે જવાના છે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. આ મહત્વપૂર્ણ બેઠક પહેલા ટ્રમ્પના આ કડક વલણે ડિપ્લોમેટિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. શું આ બેઠકથી વ્યાપાર યુદ્ધ અટકશે કે પછી મોટો વિસ્ફોટ થશે, તે જોવું રહ્યું.

