અમેરિકાની નાકેબંધીના ચીંથરેહાલ: હોર્મુઝમાંથી આરામથી નીકળ્યું ચીનનું ટેન્કર, યુએસ નેવી જોતી રહી ગઈ!
મધ્ય-પૂર્વના સમુદ્રમાં તણાવ ચરમસીમાએ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુનીમાં નાકેબંધીની જાહેરાત કર્યાના ૨૪ કલાકની અંદર જ એક ચોંકાવનારી ઘટના બની છે. ચીનનું એક વિશાળ મેથેનોલ ટેન્કર, જેના પર અમેરિકાએ વર્ષો પહેલા પ્રતિબંધ લાદ્યો હતો, તે અમેરિકન યુદ્ધ જહાજોની નજર સામેથી હોર્મુઝ ક્રોસ કરીને નીકળી ગયું છે. આ ઘટનાને આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની સૈન્ય તાકાત અને તેની નાકેબંધીની યોજનાની નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહી છે.
કેવી રીતે ચીને અમેરિકાને આપી ‘ચકમો’?
અહેવાલ મુજબ, સોમવાર, ૧૩ એપ્રિલના રોજ ચીનનું ટેન્કર ‘રિચ સ્ટારી’ (Rich Starry) ઈરાનના કેશમ દ્વીપ પાસે જોવા મળ્યું હતું. આ ટેન્કરમાં મોટી માત્રામાં મેથેનોલ ભરેલું હતું. શરૂઆતમાં ઈરાની સત્તાવાળાઓએ તેને થોડા સમય માટે રોક્યું હતું, પરંતુ ત્યારબાદ તેને સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવા દીધું હતું.
મંગળવારે સવારે આ જહાજ ઓમાનની ખાડીમાં પહોંચી ગયું હતું. આ એ જ વિસ્તાર છે જ્યાં અમેરિકાએ તેના શક્તિશાળી યુદ્ધ જહાજો અને વિમાનો સાથે નાકેબંધી ગોઠવી રાખી છે. નવાઈની વાત એ છે કે, જે જહાજ પર અમેરિકાએ પ્રતિબંધો મૂક્યા છે, તેની સામે યુએસ સેન્ટકોમ (CENTCOM) ના સૈનિકોએ કોઈ કાર્યવાહી કરી નહીં.
બે પ્રયાસોમાં પાર કરી સામુદ્રધુની
મરીન ટ્રાફિકના ડેટા મુજબ, આ ટેન્કરે હોર્મુઝ પસાર કરવા માટે બે વાર પ્રયાસ કર્યો હતો. પ્રથમ પ્રયાસમાં તે નિષ્ફળ રહ્યું હતું, પરંતુ બીજા પ્રયાસમાં ઈરાની દળોના સંકલન સાથે તે સફળતાપૂર્વક બહાર નીકળી ગયું. આ જહાજ અગાઉ ‘ફુલ સ્ટાર’ નામે ઓળખાતું હતું અને હોંગકોંગનો ધ્વજ ધરાવતું હતું, પરંતુ હવે તેના પર ચીનનો રાષ્ટ્રીય ધ્વજ છે. આ ફેરફાર જ દર્શાવે છે કે ચીન હવે સીધી રીતે ઈરાન સાથેના વેપારનું રક્ષણ કરી રહ્યું છે.
ચીની રક્ષા મંત્રીની ચેતવણી અને તેનું પરિણામ
આ ઘટનાના થોડા કલાકો પહેલા જ ચીનના રક્ષા મંત્રી એડમિરલ ડોંગ જૂને અમેરિકાને આકરી ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “અમેરિકા અમારા આંતરિક મામલામાં દખલ ન કરે, નહીં તો પરિણામ ખરાબ આવશે.”
ચીને ભારપૂર્વક જણાવ્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની ચીની જહાજો માટે ખુલ્લી છે અને ઈરાન સાથેના તેના ઉર્જા કરારોનું તે કોઈપણ ભોગે સન્માન કરશે. ચીનનું જહાજ સહીસલામત બહાર નીકળી જવું એ ડોંગ જૂનના શબ્દોની તાકાત અને મેદાન પર ચીનની મજબૂત પકડ દર્શાવે છે.
અમેરિકાની વ્યૂહરચના શું હતી?
અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સના જણાવ્યા મુજબ, હોર્મુઝની બહાર જહાજોની તૈનાતી પાછળનો હેતુ ઈરાન પર આર્થિક દબાણ લાવવાનો હતો. અમેરિકા ઈચ્છતું હતું કે ઈરાન પરમાણુ હથિયારો ન બનાવવાની લેખિત ખાતરી આપે અને તે માટે તેની આર્થિક જીવાદોરી સમાન તેલ અને કેમિકલના વેપારને ઠપ કરી દેવો જરૂરી હતો.
અમેરિકન સેન્ટકોમે દાવો કર્યો હતો કે જે પણ જહાજ ઈરાનને ‘ટોલ’ આપશે તેના પર હુમલો કરવામાં આવશે. પરંતુ ચીની ટેન્કર સામે અમેરિકાનું મૌન એ સંકેત આપે છે કે વોશિંગ્ટન અત્યારે ચીન સાથે સીધા સૈન્ય સંઘર્ષમાં ઉતરવાનું જોખમ લેવા માંગતું નથી.

