શું ડાયાબિટીસ વગર મેટફોર્મિન લેવી જોઈએ? જાણો શું છે આ ‘મેજિક પિલ’ પાછળનું તબીબી સત્ય.
સામાન્ય રીતે મેટફોર્મિનનો ઉપયોગ ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે થાય છે. જોકે, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ચાલી રહેલા વિવિધ દાવાઓને કારણે હવે એવા લોકો પણ આ દવા તરફ આકર્ષાયા છે જેમને ડાયાબિટીસ નથી. આ લોકો મેટફોર્મિનને વજન ઘટાડવા (Weight Loss) અથવા વૃદ્ધત્વ રોકવા (Anti-aging) માટેના જાદુઈ ઉપાય તરીકે જોઈ રહ્યા છે. આ ટ્રેન્ડ પર થાણે સ્થિત KIMS હોસ્પિટલના ડાયાબિટોલોજી વિભાગના વડા ડૉ. વિજય નેગલુરે ગંભીર પ્રકાશ પાડ્યો છે.
ડૉ. વિજય નેગલુરનો પક્ષ: શું તે સલામત છે?
ડૉ. નેગલુર સ્પષ્ટપણે જણાવે છે કે ડાયાબિટીસ ન ધરાવતા લોકો માટે દરરોજ મેટફોર્મિન લેવાની ભલામણ ક્યારેય કરવામાં આવતી નથી. મેટફોર્મિન ચોક્કસ તબીબી સ્થિતિઓને સુધારવા માટે બનાવવામાં આવી છે. જ્યારે કોઈ તંદુરસ્ત વ્યક્તિ તેને લે છે, ત્યારે તે શરીરના કુદરતી ગ્લુકોઝ સંતુલનને ખોરવી નાખે છે. આનાથી કોઈ મોટો ફાયદો થવાને બદલે શરીરની આંતરિક પ્રક્રિયાઓ ખોરવાઈ શકે છે.
શરીર પર થતી આડઅસરો
જરૂરિયાત વિના લાંબા સમય સુધી મેટફોર્મિન લેવાથી શરીર પર નકારાત્મક અસરો જોવા મળે છે: ૧. પાચનતંત્રની સમસ્યા: સામાન્ય રીતે ઉબકા આવવા, વારંવાર ઝાડા થવા, પેટમાં ગરબડ અનુભવવી અને ભૂખ ન લાગવી જેવી ફરિયાદો ઉઠે છે. ૨. વિટામિન B12 ની ઉણપ: ડૉ. નેગાલુર ચેતવણી આપે છે કે આ દવા શરીરમાં વિટામિન B12 ના શોષણને અવરોધે છે. જેના કારણે વ્યક્તિને સતત થાક લાગે છે, યાદશક્તિમાં ઘટાડો થાય છે અને ચેતા (Nerves) ને નુકસાન પહોંચી શકે છે. ૩. લેક્ટિક એસિડોસિસ: આ એક અત્યંત દુર્લભ પણ જીવલેણ સ્થિતિ છે. ખાસ કરીને જેમને લીવર કે કિડનીની સમસ્યા હોય, તેઓ જો ડૉક્ટરની સલાહ વગર મેટફોર્મિન લે તો લોહીમાં લેક્ટિક એસિડ જમા થવા લાગે છે, જે ગંભીર સ્વાસ્થ્ય કટોકટી સર્જી શકે છે.
વજન ઘટાડવા અને આયુષ્ય વધારવાના દાવા કેટલા સાચા?
મેટફોર્મિન ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારે છે અને ભૂખ ઘટાડે છે, જેના કારણે કેટલાક લોકોમાં વજનમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ડૉ. નેગલુર કહે છે કે આ કોઈ ‘શોર્ટકટ’ નથી. આયુષ્ય વધારવા અથવા વૃદ્ધત્વ સામે લડવાના જે દાવાઓ કરવામાં આવે છે, તેના પર હજુ સંશોધનો ચાલુ છે. અત્યાર સુધી એવા કોઈ મજબૂત પુરાવા નથી જે સાબિત કરે કે ડાયાબિટીસ વગરની તંદુરસ્ત વ્યક્તિ માટે તે લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
કોણે આ દવાથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ?
અમુક લોકો માટે મેટફોર્મિન લેવી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે:
-
કિડની અને લીવરના દર્દીઓ: આ અંગોમાં ખામી હોય તો દવાના ઝેરી તત્વો શરીરમાંથી બહાર નીકળી શકતા નથી.
-
દારૂનું સેવન કરનારા: જેઓ વધુ પડતો દારૂ પીવે છે તેમને લેક્ટિક એસિડોસિસ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
-
સગર્ભા સ્ત્રીઓ: ડૉક્ટરની ચોક્કસ સલાહ વગર સગર્ભા મહિલાઓએ ક્યારેય સ્વ-દવા (Self-medication) ન લેવી જોઈએ.
-
હૃદયના દર્દીઓ: હૃદયની નબળાઈ ધરાવતા લોકો માટે પણ આ દવાની આડઅસર ગંભીર હોઈ શકે છે.
સ્વાસ્થ્ય સુધારવા માટે કોઈપણ દવા એ અંતિમ ઉપાય હોવો જોઈએ, પ્રારંભિક નહીં. વજન ઘટાડવા માટે સંતુલિત આહાર અને વ્યાયામ જ સૌથી સુરક્ષિત માર્ગ છે. મેટફોર્મિન જેવી પ્રિસ્ક્રિપ્શન દવાઓને જીવનશૈલીનો હિસ્સો બનાવવી એ ‘આ બળદ મને માર’ જેવી પરિસ્થિતિ સર્જી શકે છે. હંમેશા યાદ રાખો કે દવા એ રોગને મટાડવા માટે છે, શોખ પૂરો કરવા માટે નહીં.

