ઓપરેશન ગ્લોબલ હન્ટ: આસિફ ઈકબાલથી લઈને હાજી સલીમ સુધી, વિદેશમાં બેઠેલા ગુનેગારોના દિવસો ભરાયા!
ભારતમાં ગુનો કરીને વિદેશ ભાગી જનારા અને ત્યાં બેસીને ભારતમાં ડ્રગ્સ તથા ગેંગસ્ટર નેટવર્ક ચલાવતા માફિયાઓ માટે હવે બચવું મુશ્કેલ બનશે. ભારતની ટોચની તપાસ એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન શરૂ કર્યું છે, જેનું નામ છે ‘ઓપરેશન ગ્લોબલ હન્ટ’ (Operation Global Hunt). આ મિશનનો હેતુ વિશ્વના ખૂણેખૂણે છુપાયેલા ભારતની ધરતીના દુશ્મનોને શોધી કાઢીને પાછા લાવવાનો છે.
શું છે ઓપરેશન ગ્લોબલ હન્ટ?
આ એક એવું સંયુક્ત અભિયાન છે જેમાં ભારતની મુખ્ય એજન્સીઓ જેવી કે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો), CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન), ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) એકસાથે મળીને કામ કરી રહી છે. આ એજન્સીઓ ઇન્ટરપોલ (Interpol) સાથે મળીને વિશ્વભરમાં લગભગ 100 જેટલા ભાગેડુ ગુનેગારોને પકડવાનું લક્ષ્ય ધરાવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ભારત માત્ર પ્રત્યાર્પણ (Extradition) ની કાયદાકીય પ્રક્રિયા પર નિર્ભર રહેતું હતું, જે ઘણીવાર વર્ષો સુધી ચાલતી. પરંતુ હવે વ્યૂહરચના બદલાઈ છે. હવે ભારત ‘સિલ્વર નોટિસ’ નો ઉપયોગ કરીને ગુનેગારોના લોકેશન ટ્રેસ કરી રહ્યું છે અને ઘણા કિસ્સાઓમાં ખાસ વિમાન મોકલીને આરોપીઓને સીધા ભારત લાવવાની તૈયારી છે.
ડ્રગ્સ અને સાયબર ટેરર પર સર્જિકલ સ્ટ્રાઈક
આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ અને સાયબર ગુનેગારોના મૂળિયાં ઉખેડી નાખવાનો છે. એજન્સીઓનું માનવું છે કે ઘણા ગેંગસ્ટરો દુબઈ, કેનેડા, પાકિસ્તાન અને યુરોપના દેશોમાં બેસીને ભારતમાં ડ્રગ્સ સપ્લાય અને સંગઠિત ગુનાખોરી ચલાવી રહ્યા છે. આ ઓપરેશન દ્વારા આવા ‘રીમોટ-કંટ્રોલ’ ગુનાખોરીના નેટવર્કને તોડી પાડવામાં આવશે.
સલીમ ડોલાની ધરપકડ: મિશનની સફળ શરૂઆત
તાજેતરમાં જ ભારતીય એજન્સીઓને મોટી સફળતા મળી છે. અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી સલીમ ડોલાને તુર્કીના ઇસ્તંબુલથી ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓના મતે સલીમ ડોલા માત્ર એક ગુનેગાર નથી, પરંતુ ‘ડ્રગ ટેરર’ નેટવર્કની મુખ્ય કડી છે, જે વિદેશથી ભારતમાં નશાનો કારોબાર ફેલાવી રહ્યો હતો.
એજન્સીઓના રડાર પર રહેલા મુખ્ય ગુનેગારો
ભારતે ઇન્ટરપોલને સોંપેલી યાદીમાં ઘણા ખતરનાક નામ સામેલ છે, જેમની ઊંઘ હવે હરામ થઈ ગઈ છે:
આસિફ ઇકબાલ મેમણ, હાજરા ઇકબાલ મેમણ અને જુનૈદ ઇકબાલ મેમણ
હાજી સલીમ (આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા)
હરમીત સિંહ, પ્રદીપ સિંહ અને પરમજીત ઢાલીવાલ
જસવિંદર સિંહ ઉર્ફે જૈઝ અને સની કાલરા (હાલ દુબઈ પોલીસની કસ્ટડીમાં હોવાના અહેવાલ)
ટીસન બિશ્નોઈ અને સંદીપ ધુનિયા
એન્ટી-નાર્કોટિક્સ ઝુંબેશના ચોંકાવનારા આંકડા
વર્ષ 2025 માં ભારત સરકારની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને અભૂતપૂર્વ સફળતા મળી છે, જેના આંકડા નીચે મુજબ છે:
જપ્ત કરાયેલ ડ્રગ્સ: 1.33 લાખ કિલો (કિંમત અંદાજે ₹2000 કરોડ).
નાશ કરાયેલ ડ્રગ્સ: 77 હજાર કિલો (કિંમત અંદાજે ₹3889 કરોડ).
સજા: 265 ડ્રગ્સ ગુનેગારોને જેલની સજા ફટકારવામાં આવી.
નોટિસ: ઇન્ટરપોલ દ્વારા 37 નોટિસ જારી કરવામાં આવી.
સફળતા: અત્યાર સુધીમાં 5 મોટા ભાગેડુઓને ભારત પાછા લાવવામાં સફળતા મળી છે.
નવી રણનીતિ: ડિપ્લોમસી અને ટેકનોલોજીનો સમન્વય
આ ઓપરેશનની વ્યૂહરચના ઇન્ટરપોલના સભ્ય દેશોની કોન્ફરન્સમાં તૈયાર કરવામાં આવી હતી. ભારત હવે માત્ર પોલીસ કાર્યવાહી પર જ નહીં, પણ રાજદ્વારી સંબંધોનો ઉપયોગ કરીને મિત્ર દેશો પર દબાણ બનાવી રહ્યું છે કે તેઓ ભારતીય ગુનેગારોને આશરો ન આપે. આ ઉપરાંત, આર્થિક ગુનેગારોને પકડવા માટે ED આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો પર પણ ચાંપતી નજર રાખી રહી છે.

