મમતા બેનર્જીએ કેમ આપી કાર્યકરોને રવિવાર રાતથી જ ગણતરી કેન્દ્રો પર પહોંચવાની સલાહ?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ એક-એક મત માટે લડત આપશે. શનિવારે તમામ ૨૯૪ બેઠકોના ઉમેદવારો અને ગણતરી એજન્ટો સાથે કરેલી દોઢ કલાકની વર્ચ્યુઅલ બેઠકમાં મમતાએ ‘જીતનો મંત્ર’ આપવાની સાથે ભાજપને રોકવા માટે કડક નિર્દેશો જારી કર્યા છે.
ઓછા માર્જિન પર ‘રી-કાઉન્ટિંગ’નું હથિયાર
મમતા બેનર્જીએ પક્ષના કાર્યકરોને સૌથી મહત્વની સૂચના એ આપી છે કે, જો કોઈ બૂથ પર ભાજપના ઉમેદવાર ૫૦૦, ૭૦૦ કે ૧,૦૦૦ મતો જેવા સાંકડા અંતરથી આગળ જણાતા હોય, તો એજન્ટોએ ત્યાં તાત્કાલિક અસરથી ‘ફરીથી મતગણતરી’ (Re-counting) ની માંગ ઉઠાવવી. મમતાએ ભારપૂર્વક કહ્યું કે, “તકેદારીમાં સહેજ પણ ઢીલ ન રાખતા. જો અંતર ઓછું હોય, તો ગણતરી પ્રક્રિયા પર સવાલ ઉઠાવો અને ફરીથી ચકાસણી કરાવો.”
એજન્ટો માટે ‘ડાયરી-પેન’ અને ૨૪ કલાકનું એલર્ટ
ગણતરી કેન્દ્રો પર પારદર્શિતા જાળવવા માટે મુખ્યમંત્રીએ દરેક એજન્ટને પોતાની સાથે નોટબુક અને પેન રાખવા જણાવ્યું છે, જેથી દરેક રાઉન્ડના આંકડાઓ રેકોર્ડ કરી શકાય. તેમણે એજન્ટોને સલાહ આપી છે કે રવિવાર રાતથી જ ગણતરી કેન્દ્રોની નજીક પડાવ નાખવો જેથી સોમવારે સવારે સમયસર પહોંચી શકાય. પશ્ચિમ મિદનાપુર અને બાંકુરા જેવા વિસ્તારોમાં તો ટીએમસીના કાર્યકરોએ અત્યારથી જ લોજિંગ-બોર્ડિંગની વ્યવસ્થા કરી લીધી છે.
૨૦૦ થી વધુ બેઠકોનો આત્મવિશ્વાસ
એક્ઝિટ પોલના આંકડાઓને નકારતા મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે ટીએમસી આ વખતે ૨૦૦ થી વધુ બેઠકો જીતીને ફરીથી સત્તામાં આવશે. તેમણે કાર્યકરોને સૂચના આપી છે કે જ્યાં સુધી ૪ મેના રોજ સત્તાવાર રીતે વિજયની જાહેરાત ન થાય અને મીડિયા સંબોધન પૂર્ણ ન થાય, ત્યાં સુધી કોઈ પણ એજન્ટે ગણતરી કેન્દ્ર છોડવું નહીં.
અભિષેક બેનર્જીના એક્ઝિટ પોલ પર પ્રહારો
પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ પણ આ બેઠકમાં ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે એક્ઝિટ પોલને ‘શેરબજારને પ્રભાવિત કરવાની રમત’ ગણાવી હતી. અભિષેકે દાવો કર્યો કે ભાજપ પોતે પણ જાણે છે કે તેઓ બંગાળમાં સરકાર બનાવી શકે તેમ નથી, પરંતુ માત્ર મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું કરવા માટે ભ્રામક સર્વેક્ષણોનો આશરો લેવામાં આવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે ૨૦૨૧ માં મળેલી ૨૧૫ બેઠકોનો રેકોર્ડ આ વખતે તૂટી જશે.
બંગાળની આ ચૂંટણી માત્ર સત્તા મેળવવાની નહીં, પરંતુ મમતા બેનર્જી માટે પોતાનો ગઢ સાચવવાની મોટી કસોટી છે. હવે જોવાનું એ રહેશે કે સોમવારે જ્યારે ઈવીએમ (EVM) ખુલશે, ત્યારે મમતાનો આ ‘રી-કાઉન્ટિંગ પ્લાન’ કેટલો કારગત નીવડે છે.

