શું અટલ પેન્શન યોજનામાં વધશે દર મહિને મળતી રકમ? નાણા સચિવે આપ્યા ખુશખબર
ભારત સરકાર સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે સામાજિક સુરક્ષાનું કવચ વધુ મજબૂત કરવા જઈ રહી છે. એક દાયકા પહેલા શરૂ કરાયેલી ત્રણ મુખ્ય યોજનાઓ – પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને અટલ પેન્શન યોજના (APY) – હવે નવા કલેવરમાં જોવા મળી શકે છે. નાણા મંત્રાલય આ યોજનાઓ હેઠળ મળતા લાભો અને વીમાની રકમમાં મોટો વધારો કરવા પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે.
નાણા મંત્રાલયનો સંકેત: શા માટે ફેરફાર જરૂરી છે?
તાજેતરમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના નાણાકીય સેવા વિભાગના સચિવ એમ. નાગરાજુએ પત્રકારો સાથેની વાતચીતમાં આ અંગે મહત્વના સંકેતો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, નાણાકીય સમાવેશન (Financial Inclusion) ના દૃષ્ટિકોણથી આ યોજનાઓ દેશના છેવાડાના માનવી સુધી પહોંચી છે. અત્યાર સુધીમાં આશરે 57 કરોડ પુખ્ત વયના લોકોએ આ યોજનાઓમાં નોંધણી કરાવી છે. હવે સમયની માંગ અને લોકોની જરૂરિયાત મુજબ આ યોજનાઓના કવરેજમાં વધારો કરવો અનિવાર્ય બન્યો છે.
PMJJBY માં વીમા કવચ ₹2 લાખથી વધીને ₹5 લાખ થશે?
સૌથી મોટો ફેરફાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોવા મળી શકે છે. હાલમાં આ યોજના હેઠળ કોઈ વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં પરિવારને ₹2 લાખની સહાય મળે છે. સરકાર હવે આ મર્યાદા વધારીને ₹5 લાખ કરવાનું આયોજન કરી રહી છે.
-
વીમા કંપનીઓ સાથે પરામર્શ: સરકારે આ અંગે વીમા કંપનીઓ પાસે અભિપ્રાય માંગ્યો છે કે જો વીમાની રકમ 5 લાખ કરવામાં આવે તો તેની શું અસરો થશે અને તેના માટે કેટલું વધારાનું ફંડ જરૂરી બનશે.
પ્રીમિયમ અને એફોર્ડેબિલિટી પર ધ્યાન
વીમા કવચ વધારવાની સાથે સૌથી મોટો પ્રશ્ન ‘પ્રીમિયમ’ નો છે. બેંકિંગ સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર અત્યારે વિવિધ વિકલ્પોનું વિશ્લેષણ કરી રહી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વીમાની રકમ વધે છતાં પણ તેનું પ્રીમિયમ સામાન્ય માણસને પરવડે તેવું (Affordable) રહે. આ ઉપરાંત, આ યોજનાઓને લાગુ કરતી એજન્સીઓનો વહીવટી ખર્ચ કેટલો થશે તેનો પણ અંદાજ કાઢવામાં આવી રહ્યો છે. એકવાર સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તૈયાર થઈ જાય પછી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ: અસંગઠિત ક્ષેત્ર માટે વરદાન
આ ત્રણેય યોજનાઓ 9 મે, 2015 ના રોજ તત્કાલીન નાણા મંત્રી દિવંગત અરુણ જેટલીની આગેવાનીમાં લોન્ચ કરવામાં આવી હતી. ખાસ કરીને જે લોકો ખેતમજૂરી, દિહાડી મજૂરી કે નાનો સ્વરોજગાર કરે છે અને જેમને સરકારી નોકરી જેવી પેન્શન કે વીમા સુવિધાઓ નથી મળતી, તેમના માટે આ યોજનાઓ આશીર્વાદ સમાન સાબિત થઈ છે.
હાલમાં આ યોજનાઓનું સ્વરૂપ શું છે?
૧. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY):
-
પાત્રતા: 18 થી 50 વર્ષની વય.
-
લાભ: કોઈપણ કારણસર મૃત્યુ થવા પર ₹2 લાખનું વીમા કવચ.
-
પ્રીમિયમ: વાર્ષિક ₹436 (રોજના માત્ર ₹1.20 પૈસા).
૨. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY):
-
લાભ: અકસ્માતમાં મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં ₹2 લાખની સહાય.
-
પ્રીમિયમ: વાર્ષિક માત્ર ₹20.
૩. અટલ પેન્શન યોજના (APY):
-
પાત્રતા: 18 થી 40 વર્ષની વયના લોકો જોડાઈ શકે છે.
-
લાભ: 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹1,000 થી ₹5,000 સુધીનું ગેરંટીડ પેન્શન.

