તમિલનાડુ રાજકારણમાં ગરમાવો: જ્યોતિષની નિમણૂક મુદ્દે ગઠબંધનમાં તિરાડ, પણ શું ‘બળવાખોરો’ બનશે વિજયની જીવાદોરી?
તમિલનાડુના રાજકારણમાં અભિનેતામાંથી નેતા બનેલા સી. જોસેફ વિજયે મુખ્યમંત્રી તરીકે શપથ લીધાને હજુ માત્ર બે દિવસ થયા છે, ત્યાં જ તેમની સરકાર વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે. બુધવાર, 13 મેના રોજ વિધાનસભામાં યોજાનારા ‘વિશ્વાસ મત’ (Confidence Vote) પહેલા જ ગઠબંધન ભાગીદારોમાં નારાજગી અને વિપક્ષમાં ભંગાણના સંકેતોએ રાજ્યના રાજકીય માહોલને ઉત્તેજક બનાવી દીધો છે.
વિવાદનું કેન્દ્ર: જ્યોતિષીની OSD તરીકે નિમણૂક
વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે વિજય સરકારે જ્યોતિષી રિકી રાધન પંડિત વેટ્રીવેલને મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી (OSD – રાજકીય) તરીકે નિયુક્ત કરવાનો આદેશ જારી કર્યો. વેટ્રીવેલ માત્ર જ્યોતિષી જ નથી, પરંતુ વિજયની પાર્ટી ‘તમિલગા વેટ્રી કઝગમ’ (TVK) ના પ્રવક્તા પણ છે. કહેવાય છે કે વિજયના દરેક મહત્વના રાજકીય નિર્ણયો પાછળ વેટ્રીવેલની ગ્રહદશાની ગણતરીઓ હોય છે.
રસપ્રદ વાત એ છે કે, વિજયનો શપથ ગ્રહણ સમારોહ જે પહેલા બપોરે યોજાવાનો હતો, તે વેટ્રીવેલની સલાહ મુજબ ‘શુભ મુહૂર્ત’ સાચવવા માટે સવારના 10 વાગ્યે કરી દેવામાં આવ્યો હતો. વિજયની આ ‘અધ્યાત્મ અને જ્યોતિષ’ પ્રત્યેની શ્રદ્ધાએ તેમના જ સાથી પક્ષોને નારાજ કર્યા છે.
સાથી પક્ષોનો આકરો વિરોધ: ‘બંધારણ વિરુદ્ધનું પગલું’
તમિલનાડુમાં ઐતિહાસિક રીતે DMK જેવા પક્ષોએ ‘તર્કવાદ’ (Rationalism) અને અંધશ્રદ્ધા વિરોધી અભિયાન ચલાવ્યું છે. આવા રાજ્યમાં સરકારી ખર્ચે જ્યોતિષીની સલાહકાર તરીકે નિમણૂક થવી એ ગઠબંધન ભાગીદારોને ગળે ઉતરતું નથી.
- કોંગ્રેસ: સાંસદ શશિકાંત સેન્થિલે જાહેરમાં સવાલ ઉઠાવ્યો કે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારમાં OSD જેવા મહત્વના પદ પર જ્યોતિષીની શું જરૂર છે?
- VCK: મહાસચિવ ડી. રવિકુમારે આ નિમણૂકને “ધર્મનિરપેક્ષ સરકારમાં અસ્વીકાર્ય” ગણાવીને મુખ્યમંત્રીને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે.
- ડાબેરી પક્ષો (CPM): સીપીએમ નેતા ષણમુગમ પીએ તર્ક આપ્યો કે બંધારણ નાગરિકોમાં ‘વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ’ કેળવવાની માંગ કરે છે, જ્યારે આવી નિમણૂકો અંધશ્રદ્ધાને સરકારી માન્યતા આપે છે.
જોકે, વિજયે મુત્સદ્દીગીરી વાપરીને આ નેતાઓ સાથે મુલાકાત કરી છે, પરંતુ આ મુદ્દે હજુ કોઈ સમાધાન દેખાતું નથી.
બહુમતીનું ગણિત અને AIADMKમાં ભંગાણ
વિજયની પાર્ટી TVK પાસે 108 બેઠકો છે, જે બહુમતીના આંકડા (118) થી 10 બેઠકો ઓછી છે. તેમની સરકાર કોંગ્રેસ, VCK અને ડાબેરીઓના ટેકા પર ટકેલી છે. જો આ સાથી પક્ષો વિશ્વાસ મતમાં છેડો ફાડે તો સરકાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
પરંતુ, અહીં જ રાજકારણનો વળાંક આવે છે. વિપક્ષી પાર્ટી AIADMK અત્યારે આંતરિક કલહનો ભોગ બની છે. ચૂંટણીમાં કારમી હાર બાદ પક્ષના વડા એડપ્પડી પલાનીસ્વામી (EPS) સામે બળવો થયો છે. વરિષ્ઠ નેતાઓ એસ.પી. વેલુમાણી અને સી.વી. શણમુગમે EPS સાથે છેડો ફાડી નાખ્યો છે. શણમુગમનો દાવો છે કે AIADMK ના લગભગ 30 ધારાસભ્યો વિજયની સરકારને ટેકો આપવા તૈયાર છે.
அறிவியல் கண்ணோட்டத்தை வளர்க்க வேண்டியது அரசின் கடமை. முதல்வரின் அரசியல் பிரிவு செயலாளராக இன்று அறிவிக்கப்பட்டுள்ள ரிக்கி ராதன் பண்டிட் என்பவர் அடிப்படையில் ஒரு ஜோதிடர்.
அரசுச் செலவில் அதிகாரியாக இத்தகைய ஒருவரை நியமித்திருப்பது, மக்கள் மத்தியில் ஜோதிடம் தொடர்பான நம்பிக்கையை… pic.twitter.com/PAHpELIagN
— Shanmugam P (@Shanmugamcpim) May 12, 2026
મંગળવારે રાત્રે વિજયે પોતે સી.વી. શણમુગમના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી હતી, જે સૂચવે છે કે જો સાથી પક્ષો દબાણ કરે, તો વિજય પાસે AIADMK ના બળવાખોરોનું ‘પ્લાન-બી’ તૈયાર છે. શણમુગમે આ જૂથને “જયલલિતાના વારસાનું નવું જીવન” ગણાવ્યું છે.
પક્ષપલટા વિરોધી કાયદાનું જોખમ
જોકે, આ ‘બળવાખોરો’ માટે રસ્તો એટલો સરળ નથી. જો તેઓ પક્ષના વ્હીપ (Whip) વિરુદ્ધ જઈને વિજયને મત આપે, તો ‘પક્ષપલટા વિરોધી કાયદા’ (Anti-defection Law) હેઠળ તેમનું ધારાસભ્ય પદ જોખમમાં મુકાઈ શકે છે. બીજી તરફ, EPS કેમ્પે આ બળવાખોરોને “મંત્રી પદના લાલચુ” ગણાવ્યા છે.
