ગુજરાતમાં ગરમીનો કાળો કહેર: ભાવનગર ૪૫.૨ ડિગ્રી સાથે ‘અગનભઠ્ઠી’ બન્યું, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ.
ગુજરાતમાં ઉનાળાએ હવે તેનું અસલી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે અને અનેક શહેરોમાં તાપમાન ૪૩ ડિગ્રીથી ઉપર નોંધાયું છે. ખાસ કરીને ભાવનગરમાં ગરમીએ તમામ હદ વટાવી દીધી છે, જ્યાં પારો ૪૫.૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા શહેર જાણે અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે
ગુજરાતમાં ઓરેન્જ અને યલો એલર્ટ
હવામાન વિભાગના તાજા આંકડાઓ અનુસાર, ગુજરાતમાં ગરમીની તીવ્રતાને જોતા વિવિધ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ગરમીનું ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ (૪૩.૭°C), ગાંધીનગર (૪૩.૫°C), રાજકોટ (૪૩.૧°C) તેમજ બનાસકાંઠા, પાટણ, વડોદરા, અમરેલી અને બોટાદ જેવા જિલ્લાઓમાં ગરમીનું ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર ભારત અને અન્ય રાજ્યોની સ્થિતિ
માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ ગરમીનો પારો ચઢી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ૧૫ અને ૧૬ મેના રોજ મહત્તમ તાપમાન ૪૧°C સુધી પહોંચવાની શક્યતા છે.રાજસ્થાનના જયપુર, જોધપુર અને બિકાનેરમાં તાપમાન ૪૩ ડિગ્રીની આસપાસ રહેતા રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશના લખનૌ અને કાનપુરમાં પારો ૪૦ ડિગ્રીને વટાવી ગયો છે, જ્યારે બિહાર અને મધ્યપ્રદેશમાં પણ તેજ સૂર્યપ્રકાશ અને ભેજને કારણે લોકો પરેશાન છે.
પર્વતીય રાજ્યોમાં આંશિક રાહત
મેદાની વિસ્તારોમાં જ્યારે ગરમીનો પ્રકોપ છે, ત્યારે પર્વતીય રાજ્યો જેવા કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હવામાન સુખદ રહેવાની ધારણા છેશિમલા, મનાલી અને ધર્મશાલામાં ઠંડા પવનોને કારણે પ્રવાસીઓને રાહત મળશે, જોકે દહેરાદૂન જેવા મેદાની વિસ્તારોમાં તાપમાન ૩૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે.
આરોગ્યલક્ષી સાવધાની
હવામાન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.ગરમ પવનો (લૂ) થી બચવા માટે શરીરને ઢાંકીને રાખવું અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા હિતાવહ છે.
નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું મોજું હજુ વધુ તીવ્ર બની શકે છે.

