ચીનને જોરદાર ટક્કર: સેમિકન્ડક્ટરથી લઈને ડિફેન્સ સુધી ભારત અને નેધરલેન્ડ વચ્ચે થઈ સુપર ડીલ
બદલાતા વૈશ્વિક સંજોગો, ભૌગોલિક-રાજકીય પડકારો અને આર્થિક સમીકરણોની વચ્ચે ભારત અને નેધરલેન્ડે પોતાના સદીઓ જૂના સંબંધોને એક નવો અને અત્યંત શક્તિશાળી આયામ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના વડાપ્રધાન રોબ જેટન વચ્ચે યોજાયેલી હાઈ-લેવલ દ્વિપક્ષીય બેઠકમાં બંને દેશોના પરસ્પર સંબંધોને અપગ્રેડ કરીને સત્તાવાર રીતે ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ (વ્યૂહાત્મક ભાગીદારી) નો ઐતિહાસિક દરજ્જો આપવામાં આવ્યો છે.
આ મહામંથન દરમિયાન બંને મહાનુભાવોએ વેપાર, આર્થિક રોકાણ, સંરક્ષણ, આંતરિક સુરક્ષા, સેમિકન્ડક્ટર, સ્પેસ (અવકાશ) ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા ભવિષ્યના મહત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે એક સ્પેશિયલ ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ રોડમેપ’ લોન્ચ કર્યો છે. આ અંતર્ગત બંને દેશો વચ્ચે કુલ ૧૭ દૂરોગામી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે યુરોપ અને એશિયા વચ્ચે વ્યાપારિક સંતુલન જાળવવામાં મોટી ભૂમિકા ભજવશે.
સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતા અને ટેકનોલોજી ટ્રાન્સફર
આ ઐતિહાસિક બેઠકનું સૌથી મહત્વનું પાસું સંરક્ષણ ક્ષેત્રે થયેલી સમજૂતી છે. વડાપ્રધાન મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ આપતા, ભારત અને નેધરલેન્ડ હવે આધુનિક સંરક્ષણ સાધનોના સંયુક્ત ઉત્પાદન (Joint Production) પર સાથે કામ કરશે. આ સાથે જ ડચ સરકાર ભારતને હાઇ-ટેક મિલિટરી ટેકનોલોજી ટ્રાન્સફર (Technology Transfer) કરવા માટે પણ સંમત થઈ છે. આ ઉપરાંત, બંને દેશોએ પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છ ઉર્જાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે એક સંયુક્ત ‘ગ્રીન હાઇડ્રોજન ડેવલપમેન્ટ રોડમેપ’ ની પણ જાહેરાત કરી છે.
પશ્ચિમ એશિયાનો તણાવ અને વૈશ્વિક સુરક્ષા પર ચર્ચા
આ દ્વિપક્ષીય બેઠકમાં માત્ર વ્યાપાર જ નહીં, પરંતુ વૈશ્વિક સુરક્ષા પર પણ ગંભીર મંથન થયું હતું. બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની વણસતી પરિસ્થિતિ, ખાસ કરીને અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા જવાબી હુમલા બાદ વધેલા આંતરરાષ્ટ્રીય તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. આ યુદ્ધની સ્થિતિ વૈશ્વિક ઉર્જા સપ્લાય અને દરિયાઈ વેપાર નેટવર્ક માટે મોટો ખતરો બની રહી છે.
બંને નેતાઓએ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz – હોર્મુઝમાંથી આંતરરાષ્ટ્રીય જહાજોની મુક્ત અને સલામત અવરજવર ચાલુ રાખવા પર વિશેષ ભાર મૂક્યો હતો, કારણ કે સમગ્ર વિશ્વનો આશરે ૨૦ ટકા ક્રૂડ ઓઈલ અને ઉર્જા પુરવઠો આ સાંકડા દરિયાઈ માર્ગેથી પસાર થાય છે. આ ઉપરાંત, રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરતા પીએમ મોદીએ પુનરોચ્ચાર કર્યો હતો કે આ યુગ યુદ્ધનો નથી અને સંવાદ તેમજ કૂટનીતિ (Diplomacy) દ્વારા જ ન્યાયપૂર્ણ શાંતિ સ્થાપી શકાય છે.
આર્થિક ભાગીદારી: સેમિકન્ડક્ટર અને ભારતીયો માટે નોકરીની તકો
નેધરલેન્ડ હાલમાં સમગ્ર યુરોપિયન યુનિયનમાં ભારતનું ખૂબ જ મોટું વ્યાપારી ભાગીદાર છે અને ભારતમાં સીધું વિદેશી રોકાણ (FDI) કરનારો ચોથો સૌથી મોટો દેશ છે. વર્ષ ૨૦૨૪-૨૫ ના નાણાકીય વર્ષમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૨૭.૮ અબજ ડૉલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. નેધરલેન્ડનું વિખ્યાત ‘રોટરડેમ પોર્ટ’ (Rotterdam Port) ભારતીય નિકાસકારો માટે સમગ્ર યુરોપ ખંડમાં પ્રવેશવાનું મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે.
આ બેઠકમાં વૈશ્વિક સ્તરે ચિપ કટોકટીનો સામનો કરવા માટે ડચ સેમિકોન કોમ્પિટન્સ સેન્ટરને ભારતીય સેમિકન્ડક્ટર મિશન (ISM) સાથે જોડવાની મહત્વની પહેલને મંજૂરી આપવામાં આવી હતી, જે ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ ક્રાંતિ લાવશે. સૌથી ગર્વની વાત એ છે કે, બંને દેશો વચ્ચે થયેલા ‘માઇગ્રેશન અને મોબિલિટી’ (Migration and Mobility) કરારના કારણે હવે ભારતીય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને આઈટી પ્રોફેશનલ્સ માટે નેધરલેન્ડમાં ઉચ્ચ અભ્યાસ અને આંતરરાષ્ટ્રીય નોકરીઓ મેળવવાની તકો અદ્ભુત રીતે વધી જશે.
આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’
આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની સુરક્ષા ચિંતાઓનું સમર્થન કરતા નેધરલેન્ડના પીએમ રોબ જેટને એપ્રિલ ૨૦૨૫ માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે આતંકવાદ અને ફંડિંગ સામેની વૈશ્વિક લડાઈમાં ભારતને પૂરો સક્રિય સાથ આપવાની ખાતરી આપી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે, “છેલ્લા ૧0 વર્ષમાં બંને દેશો વચ્ચે લોકતાંત્રિક મૂલ્યો અને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યેના જવાબદાર વલણને કારણે પ્રશંસનીય પ્રગતિ થઈ છે. હવે નેધરલેન્ડની વૈજ્ઞાનિક નિપુણતા અને ભારતની સ્પીડ તેમજ સ્કિલ મળીને વિશ્વ કલ્યાણ માટે નવી ઊંચાઈઓ સર કરશે.”
ભારત અને નેધરલેન્ડ વચ્ચેની આ નવી અને મજબૂત વ્યૂહાત્મક યુતિ વૈશ્વિક સ્તરે ચીનના વધતા જતા આર્થિક પ્રભાવ અને અન્ય ભૌગોલિક પડકારો સામે ભારતની સ્થિતિને અત્યંત મજબૂત બનાવશે, તેમજ આવનારા સમયમાં યુરોપ સાથે ભારતના મુક્ત વ્યાપારને એક નવી દિશા આપશે.

